વડોદરા : શહેરના નંદેસરી જીઆઇડીસીમાં છેલ્લા ૨૦ વર્ષથી વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતો ડોક્ટર ઝડપાયાની તપાસ હજુ ચાલુ છે. તેવામાં વડોદરા ગ્રામ્ય એસઓજી શાખાએ ડભોઇ તથા ઈટોલા ગામમા ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા ત્રણ તબીબોને ઝડપી પાડયાના બનાવથી આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે.

વડોદરા જિલ્લાના ડભોઇ ગામમાં હિરાજીના ટેકરા પાસે તાઇ વગામાં બોગસ ડોક્ટર ‘મસાનું દવાખાનું ડો.એસ.એસ.સાહેબના નામે ચલાવતો હોવાની માહિતી જિલ્લા એસઓજી શાખાને મળી હતી. જે માહિતીના આધારે પોલીસે મેડિકલ ઓફિસરને સાથે રાખીને ઉક્ત સ્થળે છાપો પાડ્યો હતો. ક્લિનિકમાં પોલીસે તપાસ કરતાં બોગસ તબીબ પાસે ડિગ્રી કે મેડિકલ કાઉન્સિલ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ નહીં હોવાનું બહાર આવ્યું હતું તેમજ બોગસ તબીબ સુભાનસાહેબ મસ્તાનસાહેબ શેખ મૂળ પોટીપાડ્ડુ, તા.ગન્નાવરમ. જિ.ક્રિષ્ણા વિજયવાડા, આંધ્રપ્રદેશનો રહેવાસી અને તેને માત્ર ધો-૧૦ સુધીનો અભ્યાસ કરેલો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

તદુપરાંત તે છેલ્લા ૧૦ વર્ષથી દવાખાનું ચલાવતો હતો. પોલીસે તેના ક્લિનિકમાંથી વિવિધ કંપનીઓની દવાઓ, સ્ટેટોસ્કોપ સહિતના સાધનો મળી કુલ રૂપિયા ૪૬૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીએ બોગસ તબીબને પકડીને ડભોઇ પોલીસના હવાલે કર્યો હતો. ડભોઇ પોલીસે આરોપી બોગસ ડોક્ટર સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

જ્યારે બીજા બનાવમાં જિલ્લા ગ્રામ્ય એસઓજી પોલીસે ડભોઇના બોગસ તબીબ શંકર હર્ષિત વિશ્વાસના ક્લિનિક પર છાપો માર્યો હતો, જેમાં બોગસ તબીબ ‘જય અંબે ક્લિનિક ડો.એસ.એસ.વિશ્વાસ બીએએમએસના નામે પ્રેક્ટિસ કરતો હતો. પોલીસ તપાસમાં બોગસ તબીબ પાસે ડિગ્રી કે મેડિકલ કાઉન્સિલ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ નહીં હોવાનું અને તે મૂળ પાથોડિયા, તા.નોર્થ દુગાડી. જિ.પરગણા, પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.

તેમજ તેને માત્ર ધો-૧૨ સુધીનો જ અભ્યાસ કરેલો છે અને તે છેલ્લા ૧૫ વર્ષથી દવાખાનું ચલાવતો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ક્લિનિકમાંથી પોલીસે જુદી-જુદી કંપનીની દવાઓ અને સ્ટેટોસ્કોપ સહિત કુલ રૂપિયા ૮૬૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીએ બોગસ તબીબને ડભોઇ પોલીસને સોંપ્યો હતો. ડભોઇ પોલીસે આરોપી બોગસ ડોક્ટર સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય બનાવમાં જિલ્લા એસઓજી શાખાએ બાતમીના આધારે મેડિકલ ઓફિસરને સાથે રાખીને ઈટોલા રેલવે ફાટક નજીક આવેલી દુકાનમાં છાપો માર્યો હતો.

જ્યાં કાચની કેબિનમા મેડિકલ પ્રેક્ટિસ કરતો વધુ એક બોગસ તબીબને પોલીસે ઝડપી પાડયો હતો. સ્ટેટોસ્કોપ લગાવી ખુરશી પર બેઠેલાં બોગસ તબીબ હરિરામસિંહ રામનાથ સિંહ કુશવાહા મૂળ મહદહ ગામ, તા.બકસર, બિહારનો વતની હાલ ઈટોલા ગામમાં રહે છે. આ બોગસ તબીબ પાસેથી ડિગ્રી કે મેડિકલ કાઉન્સિલ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ નહીં હોવાનું તેમજ તેને મધ્યપ્રદેશના ભોપાલ ખાતે હોમિયોપેથીનો અભ્યાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ડિગ્રી કે મેડિકલ કાઉન્સિલમાં નોંધણી કરાવ્યા વિના છેલ્લા એક વર્ષથી દવાખાનું ચલાવતો હતો. પોલીસે ક્લિનિકમાંથી અલગ અલગ દવાઓ, સ્ટેટોસ્કોપ સહિત કુલ રૂપિયા ૮૬૫૦નો મુદ્દામાલ મળી આવતાં કબજે લઇ બોગસ તબીબ સામે વરણામા પોલીસ મથકે આઇપીસી ૩૩૬, ૪૧૯ તથા ભારતીય મેડિકલ કાઉન્સિલ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દર્દીઓના જીવ જાેખમમાં મુકતા નકલી તબીબો સામે લાલ આંખ

શહેરની આસપાસના નાના અને અંતરિયાળ ગામોમાં ટેબલો-ખુરશી મુકીને દવાખાનાઓ ખોલી બેઠેલા તબીબોઅી જાે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો બીજા જાેલાછાપ ડોકટરોના નામો બહાર આવે તેમ મનાઈ રહ્યું છે. અશિક્ષિત અને ગરીબ વર્ગના દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર બોગસ તબીબોને પકડવા માટે જિલ્લા પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં બોગસ તબીબને અનગઢ ખાતેથી ઝડપી પાડયો હતો. હાલમાં પણ છેલ્લા બે દિવસ દરમિયાન નંદેસરી જીઆઈડીસી, ડભોઈ અને ઈટોલા ગામમાંથી મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં ત્રણ બોગસ તબીબોની જિલ્લા પોલીસે ધરપકડ કરી છે. આગામી દિવસોમાં આવા બોગસ તબીબોને પકડવામાં આવશે કે કેમ? તેવા સવાલો લોકમુખ ચર્ચાઈ રહ્યા છે.