વડોદરા,તા.૨૪

કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટમાં ૨૨૪.૩૦ કરોડનો હિસ્સો આપવા માટે રૂ.૧૦૦ કરોડના બોન્ડ બહાર પાડવાની મંજૂરી સેબીએ આપી હતી ત્યાર બાદ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઇલેક્ટ્રોનિક બિડીંગ કરવામાં આવતા સંસ્થાગત બોન્ડમાં ૧૬ સરકારી અને ખાનગી ઉદ્યોગા,ે નાણાકીય સંસ્થાઓ મળીને ૩૬ બીડરોએ ભાગ લીધો હતો. જેમાં રૂપિયા સો કરોડની કિંમતના બોન્ડ સામે એક કલાકમાં બોન્ડ ૧૦ ગણો ભરાયો હતો. બીડીંગ ની શરૂઆત ૧૧ વાગે થતાં પ્રથમ મિનિટોમાંજ ૪૫૨ કરોડ ભરાયા હતા જ્યારે ૧૨ વાગે દસ ગણા વધુ થતાં રૂ.૧૦૦૭ પર બોન્ડની રકમ ભરાઈ હતી જેમાં ૭.૧૫ ટકાનું વ્યાજ ચૂકવવામાં આવશે તેમ જાણવા મળે છે.

અમૃત યોજના હેઠળ કોર્પોરેશન દ્વારા પોતાનો હિસ્સો આપવા બોન્ડ બહાર પાડવા માટે સેબી એ મંજૂરી આપ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ૩૬ જેટલી ખાનગી અને સરકારી કંપનીઓ તથા નાણાકીય સંસ્થાઓના મુખ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને કોર્પોરેશનના બોન્ડમાં નાણાં રોકવા અપીલ કરી હતી.આ અંગે મેયર કેયૂર રોકડીયા, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, ડેપ્યુટી કમિશનર સુધીર પટેલ અને ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૧૯ ના અંદાજપત્રમાં કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રીજૂવેનશન એન્ડ અર્બન ટ્રાન્સફરમેશન યોજના અંતર્ગત રજૂ કરવામાં આવેલા પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર ના રૂા.૫૩૩.૪૦ કરોડની કિંમતના ૧૪ પ્રોજેક્ટમાં ૩૦%હિસ્સાની રકમ ભરપાઈ કરવાના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. ૧૦૦ કરોડના બોન્ડ બહાર પાડવા માટે કાર્યવાહી હાથ ઘરી હતી.જેમાં પાંચ વર્ષની બેલેન્સશીટ, કેશ ફ્લો, સ્થાવર-જંગમ મિલકતો વિગેરેની માહિતી મેળવી વર્ષ ૨૦૧૫-૧૬ થી વર્ષ ૨૦૨૦-૨૧ સુધીના એન્યુઅલ રિપોર્ટ તૈયાર કર્યા હતા જેમાં અક્રુઅલ બેઝ પ્રમાણે નેશનલ મ્યુનિસિપલ એકાઉન્ટ મેન્યુઅલ પ્રમાણે બેલેન્સશીટ તૈયાર કરી હતી જે બાદ ક્રિશિલ અને ઇન્ડિયા રેટીંગ એન્ડ રિસર્ચ નામની બે સંસ્થા પાસે ક્રેડિટ રેટિંગ કરાવવાની પ્રક્રિયા કરી હતી જેમાં ડિસેમ્બર ૨૦૨૦માં ઇન્ડિયા એન્ડ રિસર્ચ સંસ્થાએ છછ અને ક્રિશિલ સંસ્થા એ એએ રેટિંગ આપ્યું હતું. આ રેટીંગ આધારે મે-૨૦૨૧માં રાજ્ય સરકારે રૂ. ૨૦૦ કરોડની રકમના બોન્ડ બહાર પાડવા મંજૂરી આપી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેલેન્સશીટ પ્રમાણે વર્ષ ૨૦૨૦-૨૧ ની રૂ. ૧૨૯૦૪ કરોડ ની થઇ હતી.

મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સેબીની મંજૂરી બાદ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સંસ્થાગત બોન્ડમાં રોકાણકારો દ્વારા ઓનલાઈન બિડીંગની પ્રક્રિયા સવારે ૧૧ઃ૦૦ શરૂ કરવામાં આવી હતી જેમાં માત્ર એક કલાકમાં જ વિવિધ કંપનીઓએ બિડીંગમાં ભાગ લેતા રૂપિયા ૧૦૦ કરોડ ની સામે બોન્ડ દસ ગણો ભરાયો હતો.તેમણે જણાવ્યું હતું કે જે રીતે સરકારી અને ખાનગી કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓનો સહકાર મળ્યો છે તે બાદ બોન્ડમાં આ કંપનીઓને ૭.૧૫ ટકા વ્યાજ ચૂકવાશે. બોન્ડની પ્રક્રિયા દરમિયાન કોર્પોરેશનને ટ્રેઝરર વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શન પણ મળ્યું હતું. હવે તા. ૩૦ મી માર્ચે બોન્ડનુ લીસ્ટીંગ કરવામાં આવશે.

બોન્ડની રકમ સિંધરોટ પાણી પુરવઠા પ્રોજેક્ટ અને એપીએસ પેટે વપરાશે

વડોદરા કોર્પોરેશનને બોન્ડ દ્વારા મળનાર રૂા.૧૦૦ કરોડની આ રકમ સિંધરોટ ખાતે બની રહેલ પાણીપુરવઠા યોજના માં રૂા.૯૫.૭૫ કરોડ વાપરવામાં આવશે જેથી આ પ્રોજેક્ટ થકી શહેરના લોકોને પીવાના પાણીની જરૂરીયાતને પૂરી કરી શકાય ઉપરાંત ૪.૨૫ કરોડની રકમ અમિતનગર ખાતેના એપીએસની કામગીરીમાં વાપરવામાં આવશે જેથી સુવેઝના પાણીના નિકાલ માટે મદદરૂપ થશે

૭.૧૫ ટકાના દરે સબસ્ક્રાઈબ થયેલ મ્યુનિસિપલ બોન્ડની કેટેગરીમાં સૌથી ઓછા દરનો છે

મેયર કેયુર રોકડિયાએ જણાવ્યુ હતુ કે, વડોદરા મહાનગર પાલિકાનો બોન્ડ ૭.૧૫ ટકાના દરે સબસ્ક્રાઈબ થયો છે.આ બોન્ડ મ્યુનિસિપલ બોન્ડની કેટેગરીમાં સૌથી ઓછા દરનો છે.આમ વડોદરા કોર્પોરેશનને ઓછા દરે ૧૦૦ કરોડની રકમ પ્રાપ્ત થઈ છે.વર્ષ ૨૦૧૭માં પૂણેના જે બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા તેમાં સરકારી રેટ ૬.૫૦ હતા અને ૭.૬૦ ટકા થી ભરાયો હતો.અમદાવાદ અને સુરતમાં જ્યારે ૨૦૧૯ માં બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા.તેમાં સરકારી રેટ ૭.૩૫ ટકા જેટલો હતો જેની સામે ૮.૧૦ ટકામાં આ બોન્ડ ભરાયો હતો.જ્યારે હાલમાં ૬.૩૩ ટકા સરકારી રેટ છે.જેની સામે ૭.૧૫ ટકા એટલે માત્રલ ૦.૮૫ ટકા વઘુ વ્યાજ ચુકવીને તમામ કોર્પોરેશનમાં સૌથી ઓછા વ્યાજે વડોદરા કોર્પોરેશનને નાણાં મળી રહ્યા છે.આ વ્યાજની ઉપર કેન્દ્ર સરકાર દ્વારા રૂા.૧૩ કરોડ ઈન્સેટીવ પણ રહી છે.એટલે વ્યાજદર અંદાડે ૪.૫૫ ટકા જેટલુ થશે.

બોન્ડની બિડિંગમાં દર ૧૦ મિનિટે સતત વઘારો

૧૧ કલાકે રૂ.૪૫૨

૧૧.૧૦ કલાકે રૂ ૭૧૭

૧૧.૨૦ કલાકે રૂ ૭૪૨

૧૧.૩૨કલાકે રૂ.૭૭૪

૧૧.૪૯ કલાકે રૂ.૮૩૨

૧૧.૫૨ કલાકે રૂા.૯૨૭

૧૧.૫૯ કલાકે રૂા.૧૦૦૭