દાહોદ-

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુટણીને લઇને પોલી સક્રિય છે.સરહદો પર પોલીસ બાજ નજર રાખી રહી છે ત્યારે ચૂંટણીમાં ગુનાખોરી ડામવા પરવાનેદારોના હથિયરો જમા કરાવવાની કામગીરી ચાલી રહી છે.ઉપરાંત ૧૭ પોલીસ મથકોમાં મળીને ૪૫૦૦ જેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. તેમજ ગુનાઇત કુંડળી ધરાવનારાઓ ને સાંણસામાં લેવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે થાય તેના માટે વહીવટી અને પોલીસ તંત્ર સંપૂર્ણ સજાગતાથી કામગીરી કરી રહ્યુ છે.જિલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદો પર આવેલો હોવાથી હાલમાં બંન્ને સરહદો પર પોલીસ બાજ નજર રાખી રહી છે તેમજ કોઇ પણ પ્રકારની ગુનાઇત ઘુસણખોરી ન થાય તેમજ દારુ કે નશીલા પદાર્થો તેમજ હથિયારો ઘુસાડવામાં ન આવે તેના માટે સક્રિયતા રાખવામાં આવી રહી છે.

આ પહેલા જ ગુજરાત અને રેન્જના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં મધ્ય પ્રદેશના ઝાબુઆ અને અલીરાજપુર તેમજ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.હાલમાં બંન્ને સરહદો પર ૨૪ કલાક ચેકપોસ્ટ શરુ કરી દેવામાં આવી હોવાનુ એસપી હિતેષ જાેયસરે જણાવ્યુ છે.બીજી તરફ જિલ્લામાં જેટલા લોકો પરવાના સાથે હથિયાર ધરાવે છે તેમને હથિયાર જમા કરાવવાના આદેશ આપી દેવાયા હોવાથી હાલ સુધીમાં ૪૩૦૦ જેટલા હથિયારો જુદા જુદા પોલીસ મથકોમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. જિલ્લામાં ૪૩૩ જેટલા બીનજામીનપાત્ર વોરન્ટની બજવણી કરી સંબંધીત આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

તેવી જ રીતે જિલ્લાના ૧૭ પોલીસ મથકોમાં ૪૫૦૦ જેટલા અટકાયતી પગલા લેવામાં આવ્યા છે.ભુતકાળની ચૂંટણીઓમાં જે વિસ્તારોમાં ચૂંટણી લક્ષી ગુના નોંધાયા હતા તે વિસ્તારોમાં પોલીસ દ્રારા આગોતરું આયોજન કરવા માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.ચૂંટણીકાર્યક્રમ શરુ થતાં જ જુદા જુદા વિસ્તારોમાં ફુટ માર્ચ, કે ફલેગ માર્ચ કરવામાં આવશે.આમ જિલ્લા પોલીસ તેમજ આવનાર સમયમાં રાજ્ય સરકાર દ્રારા જે વધારાની ફોર્સ ફળવાશે તેના દ્રારા જિલ્લામાં ચૂંટણી દરમિયાન સંપૂર્ણ શાંતિ જાળવવા સમગ્ર પગલાં લેવામાં આવશે તેમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યુ છે.