ભરૂચ, આમોદ તાલુકાના દોરા ગામે નવી નગરીમાં રહેતા પિતા પુત્રના ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા યુવાનની લાકડાના સપાટા મારી હત્યા કરતા આમોદ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આમોદ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના દોરા ગામે નવીનગરીમાં રહેતા રાજેશભાઇ વસાવા તથા તેના પિતા નગીનભાઈ વસાવા વચ્ચે કોઈક કારણોસર અંદરોઅંદર ઝઘડો કરતા હતા. જેથી પડોશમાં રહેતા કિશન કાલીદાસ વસાવા ઉ.વ.૨૩ માનવતા રાખી પિતા પુત્રના ઝગડો વધુ વણશે નહીં તે માટે છોડાવવા વચ્ચે પડ્યો હતો.જેથી પિતા-પુત્રના ઝઘડામાં વચ્ચે પડતા રાજેશ વસાવાએ જણાવેલ કે તું અમારા ઝઘડામાં ક્યાં વચ્ચે પડે છે. આજે તને પતાવી દેવો છે.તેમ કરી રાજેશ વસાવાએ મારી નાખવાના ઇરાદે કિશન કાલીદાસ વસાવાને મોઢામાં તથા માથાના ભાગે લાકડીના સપાટા મારી ગંભીર ઈજાઓ કરી સ્થળ ઉપર જ મોતને ઘાટ ઉતાર્યો હતો. આમ પિતા- પુત્રના ઝઘડામાં માનવતાં રાખી વચ્ચે છોડાવવા પડેલા કિશન વસાવાને મોત મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આમોદ પોલીસ મથકે મરણજનાર કિશનના ભાઈ અક્ષય કાલીદાસ વસાવાએ ફરિયાદ આપતા આમોદ પોલીસે રાજેશ વસાવા સામે હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેની તપાસ આમોદના પોલીસ સબ ઇન્સપેક્ટર કે.એચ.સુથાર ચલાવી રહ્યા છે.

રાજેશ વસાવાએ લાકડાના સપાટા મારતા આસપાસ લોહીના ખાબોચિયાં ભરાયાં

આમોદ તાલુકાના દોરા ગામે પિતા-પુત્રના ઝઘડામાં માનવતા રાખી વચ્ચે છોડાવવા પડેલા કિશન વસાવાને રાજેશ વસાવાએ તેના હાથમાં રહેલા લાકડાના દંડા વડે માથામા તથા મોઢાના ભાગે જુસ્સાભેર સપાટા માર્યા હતા. જેથી કિશન વસાવાને ગંભીર ઈજાઓ થતા તે સ્થળ ઉપર જ ફસડાઈ પડ્યો હતો અને તેના મોઢામાંથી તેમજ માથામાંથી ખુબજ લોહી નીકળી જતા સ્થળ ઉપર જાણે લોહીના ખાબોચિયાં ભરાયાં હતા અને તેનું સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત થયું હતું.

માનવતાં નિભાવવા જતાં મોત મળતા ચકચાર

માનવતા નિભાવવા જતા વિધવા માતાએ વ્હાલો પુત્ર ગુમાવ્યો. આમોદ તાલુકાના દોરા ગામે પિતા-પુત્રનાં ઝઘડામાં માનવતા નિભાવવા વચ્ચે છોડાવવા પડેલો કિશન વસાવા હત્યાનો ભોગ બન્યો હતો. જેથી દોરા ગામે કિશનની વિધવા માતાએ વ્હાલસોયો કુંવારો પુત્ર ગુમાવવો પડ્યો હતો. વિધવા માતાએ ત્રણમાંથી એક પુત્ર ગુમાવ્યો હતો.