મુંબઇ 

કન્નડ ફિલ્મના એક્ટર તથા રાઉડી શીટર સુરેન્દ્ર બંટવાલની હત્યા થઈ છે. બુધવાર, 21 ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનું શબ કર્ણાટક સ્થિત તેમના અપાર્ટમેન્ટના સોફા પર હતું. તેમના શરીર પર ધારદાર હથિયારના અનેક નિશાન હતા. પોલીસના મતે, અજાણ્યા હુમલાખોરોએ બંટવાલ પર હુમલો કર્યો હતો. જોકે, હજી સુધી આની પાછળનું સાચું કારણ સામે આવ્યું નથી. પોલીસે હત્યાનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ પ્રમાણે, બંટવાલના મિત્રોએ તેમને વારંવાર ફોન કરતા હતા અને જ્યારે કોઈ જવાબ ના મળ્યો ત્યારે તેઓ તેમના ઘરે ગયા હતા. અહીંયા બંટવાલની ડેડબોડી સોફા પર મળી આવી હતી. પોલીસે અંગ્રેજી વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે મોતની એક રાત પહેલા તેમની સાથે કોણ હતું. તેમની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે.'

પોલીસ સૂત્રોના મતે, બંટવાલ વિરુદ્ધ 15 ક્રિમિનલ કેસ હતાં. અઢી વર્ષ પહેલા તેમનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તે તલવાર સાથે ભાજપના કાર્યકર્તાઓને ધમકાવતા જોવા મળ્યા હતા, જેમાં બે ભાજપ કાર્યકર્તા ઘાયલ થયા હતા. આ કેસમાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી અને પછી તેમને જામીન મળ્યા હતા. કહેવાય છે કે તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા.