દિલ્હી-

દિલ્હી ગાઝીપુર બોર્ડર ફરીવાર રાજકરણનું કેન્દ્ર બની ગયું છે. અહીં રાજકીય નેતાઓની અવરજવર વધી છે, વિપક્ષી નેતાઓનું એક ગ્રૂપ આજે અહીં પહોંચ્યું હતું. જેમાં 8 રાજકીય પક્ષોના સાંસદ હતા, આ સાંસદોએ ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. તેમની સમસ્યા જાણી અને પરત ફર્યા બાદ આ સાંસદો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને રિપોર્ટ આપશે. આ દરમિયાન ગાઝીપુર બોર્ડર પર આજે પણ સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત કરવામા આવી છે. જાેકે બીજી તરફ દિલ્હી પોલીસે ખીલ્લીઓ અને કાંટાળી તારને અમુક અંશે હટાવવાનું શરૂ કર્યું છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે, આ ખિલ્લીઓ અને કાંટાળી તારને નવેસરથી લગાવવામાં આવશે. પરંતુ એ વાત સ્પષ્ટ નથી કે, ગાઝીપુર બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા ઘટાડવામાં આવશે કે નહીં.

ખીલા હટાવવાનું કામ એ સમયે શરૂ થયું જયારે વિપક્ષના ૧૫ સાંસદ ગાઝીપુર બોર્ડર પર પહોંચ્યા હતા. એક તરફ સાંસદોને બેરિકેડિંગની બીજી સાઈડ એટલે કે દિલ્હી તરફ રોકી લીધા હતા. તો બીજી તરફ એટલે કે ગાઝીપુર સાઈડ આ લોખંડના ખીલા ઉખાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું. માત્ર એક જ કર્મચારી બધાને હટાવી રહ્યો હતો અને જયારે તેની સાથે મીડિયાએ વાત કરી તો તેને જણાવ્યું, હું દુકાનેથી આવ્યો છે અને મને આ ખીલા ઉખાડવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ મને નથી ખબર કે કોના આદેશથી આ ખીલા હટાવવામાં આવી રહ્યા છે.

દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે અમે ગાઝીપુર બોર્ડર પરથી ખીલાઓ હટાવી નથી રહ્યા પરંતુ તેને રી-પોઝિશન કરી રહ્યા છીએ. કેટલાંક સ્થળો પર પબ્લિકની અવરજવર છે તેમને તકલીફના પડે તે માટે ખીલાઓને રી-પોઝિશન કરવામાં આવી રહ્યા છે. તો, ગાઝીપુર બોર્ડર પર હાજર એક પોલીસ કર્મીએ જણાવ્યું છે કે હાલ તો ખીલાઓ ઉખાડવામાં આવી રહ્યા છે. એ નથી ખબર કે ક્યારે અને કેવી રીતે ફરીથી ખીલા લગાવવામાં આવશે.