દિલ્હી-

ન્યાયમૂર્તિ એ એમ ખાનવીલકર ઉપરાંત ન્યાયમૂર્તિ ઋષિકેશ રોય અને ન્યાયમૂર્તિ સી ટી રવિકુમારની બનેલી ખંડપીઠે અરજકર્તાઓ વતી હાજર રહેલા વકીલ શોએબ આલમને જણાવ્યું હતું કે તમે અરજકર્તાઓ વતી જે દલીલો કરી રહ્યાં છો તે ૯૯ ટકા ઉમેદવારો સાથે સુસંગત નથી. એક ટકા ઉમેદવારો માટે સમગ્ર સિસ્ટમને સૃથગતિ કરી શકાય નહીં. જ્યારે વકીલે જણાવ્યું કે ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓ ધો. ૧૨નું પરિણામ સુધારવા માટે પરીક્ષા આપી રહ્યાં છે તો તેના જવાબમાં ખંડપીઠે જણાવ્યું હતું કે આવા ઉમેદવારોની સંખ્યા ફક્ત એક ટકા જ છે અને તેમના માટે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરી ન શકાય.સુપ્રીમ કોર્ટે ૧૨ સપ્ટેમ્બરે યોજાનાર નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(નીટ)-યુજી પરીક્ષાને વધુ પાછળ લઇ જવાનો ઇનકાર કરતા જણાવ્યું છે કે તે આ પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા માગતી નથી અને પરીક્ષા નવી તારીખ ફરીથી નક્કી કરવી ખૂબ જ અયોગ્ય ગણાશે. ન્યાયમૂર્તિ એ એમ ખાનવીલકરના નેતૃત્ત્વવાળી ખંડપીઠે જણાવ્યું છે કે જાે વિદ્યાર્થીઓ એકથી વધારે પરીક્ષામાં બેસવા માગે છે તો તેમને પ્રાથમિકતા નક્કી કરી તે પ્રમાણે પસંદગી કરવી પડશે કારણકે પરીક્ષાની તારીખ નક્કી કરતી વખતે દરેકનું ધ્યાન રાખવુ શક્ય નથી.