ટોકયો-

જાપાનમાં યોજાનારા ઓલમ્પિક સામે વધુ એક ખતરો સર્જાયો છે અને આ ઓલમ્પિકના મુખ્ય સ્પોન્સરમાં એક સ્પોન્સર દ્વારા ઓલમ્પિક રમતોત્સવ રદ કરવાની માંગણી થઇ છે. જાપાનના અગ્રણી આશી સીમ્બુન ન્યુઝ પેપર ગ્રુપ કે જે આ ઓલમ્પિકનું સત્તાવાર સ્પોન્સર છે તેના દ્વારા સ્પોન્સરશીપ કેન્સલ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને કોરોના સંક્રમણની ચિંતા છતાં જે રીતે મહત્વ યોજવા માટે ઓલમ્પિક કમિટી આગળ વધી રહી છે તેની ટીકા કરતા જણાવ્યું કે આરોગ્ય સામે સૌથી મોટુ જોખમ ઉભુ થશે. જાપાનમાં તા.23 જુલાઇથી ઓલમ્પિક મહોત્સવ શરૂ થઇ રહ્યો છે. હાલ સંક્રમણના કેસ વધતા રહ્યા છે અને ટોકીયોમાં અનેક પ્રકારના નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે તેમ છતાં ઓલમ્પિક આયોજન કમિટીએ પ્રેક્ષકો વગર પણ ખેલ મહોત્સવ યોજવાની તૈયારી કરી છે. તેની સામે જાપાનમાં પણ વિરોધ થતો જાય છે. હાલમાં જ ટોકીયો અને અનેક વિસ્તારોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અને તે 20 જૂન પછી પણ લંબાવાય તેવી શકયતા છે. અમેરીકી વિદેશ વિભાગે પણ જાપાનમાં ઓલમ્પિકના કારણે વાયરસનું જોખમ વધે તેવી શકયતા છે તેવી ચેતવણી આપી છે.