વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા જે જમીનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને મૂર્ખ બનાવીને રૂપિયા ૫.૯૬ કરોડના ખર્ચે ફાયર સ્ટેશન અને એના સ્ટાફના ક્વાર્ટરનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એ જમીનની માલીકી વાસ્તવમાં એક બિલ્ડરની છે. જેના ધ્યાન પર આ બાબત આવતા ઈ-ખાતમુહૂર્ત પછીથી બે માસનો સમયગાળો વીતી ગયા પછીથી જયારે પાલિકા દ્વારા આ ખાનગી માલીકીની જમીન પર ફાયર સ્ટેશનની કામગીરી શરુ કરવામાં આવી હતી. ત્યારે એની જાણ થતા જમીન માલિક બિલ્ડરે સ્થળ પર પહોંચી જઈને દાદાગીરી કરીને પાલિકાની કામગીરી અટકાવી દીધી હતી. આ અંગે જાગૃત નાગરિક સચિન ઠકકર દ્વારા વહિવટી તંત્રને જાણ કરવામાં આવી છે. તેમજ જેસીબી અને અન્ય સાધનોથી કામગીરી કરવા આવેલાને ધાકધમકી આપતા તેઓ સ્થળ પરથી જતા રહ્યા હતા. આ અંગેની જાણ પાલિકાના અધિકારીઓને થતા તેઓએ સમગ્ર બાબત પર પડદો પાડી દઈને મુખ્યમંત્રીના કાન સુધી આ વાત જાય નહિ એના માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. તેમજ સમગ્ર બાબતમાં જાણીજાેઈને કરાયેલ ભૂલનું પીલ્લું વાળી દેવાનો દિવસ રાત એક કરીને છેલ્લા કેટલાક દિવસોથી પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ પાલિકાની કામગીરી રોકાવનાર એ બિલ્ડર કોણ? એ બાબત પ્રત્યે અધિકારીઓ સૂચક મૌન સેવી રહ્યા છે. આ બિલ્ડર સામે પાલિકાના અધિકારીઓના પોલીસ ફરિયાદ કરતા પણ હાથ ધ્રુજી રહ્યા છે. ત્યારે આ માથાભારે બિલ્ડર કોણ છે? જેને પાલિકાની કામગીરી રોકાવી? એ બાબત ટોક ઓફ ટાઉન બનવા પામી છે.           

પાલિકાના તત્કાલીન ભાજપના જ શાસકોએ ખાનગી બિલ્ડરની જગ્યા પોતીકી બતાવીને મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે વાસણા-ભાયલી વિસ્તારમાં રૂપિયા ૫.૯૬ કરોડના ખર્ચે બનનાર ફાયર સ્ટેશનનું ઈ-ખાતમુહ્રત કરાવી મૂર્ખ બનાવ્યાની ગરમાગરમ ચર્ચાઓ થઇ રહી છે. એની સાથોસાથ આ જમીનના માલિકને અંધારામાં રાખીને કામગીરીનો પણ પ્રારંભ કરાવતા ભડકેલા જમીન માલિક સહ બિલ્ડર દ્વારા ખુલ્લેઆમ મેદાનમાં આવીને કામગીરી રોકાવી દીધી હતી. પાલિકાના તંત્રનો વાંક હોવાથી જાેહુકમીથી કામગીરી અટકાવનાર આ બિલ્ડરનો વાળ પણ તંત્ર વાંકો કરી શક્યું નથી.

બલ્કે આગ લાગ્યા પછીથી કૂવો ખોદવા નીકળેલ તંત્ર ભૂલનો પ્રશ્ચાતાપ કરવાને માટે બિલ્ડરને શામ-દામ-દંડભેદની નીતિ અપનાવીને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી મુખ્યમંત્રીના સીએમ હાઉસથી પાલિકાના તત્કાલીન શાસકો,નેતાઓ અને અધિકારીઓને ઠપકો મળે નહિ. આ ઘટનાને લઈને મુખ્યમંત્રીની સાથોસાથ ભાજપની આબરૂનું ધોવાણ થઇ ગયું છે. તાજેતરમાં મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે યોજાયેલા સમારોહમાં ઈ-ખાતમુહૂર્તનાં રૂપિયા ૧૯૭.૪૮ કરોડના પાંચ કામોમાં રૂપિયા ૫.૯૭ કરોડના ખર્ચે વાસના -ભાયલી ટી.પી.૨૬,ફાયનલ પ્લોટ -૯૯ ખાતે નવીન ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવાના કામના ખાતમુહૂર્તનો સમાવેશ થતો હતો. પાલિકા દ્વારા અપાયેલા સત્તાવાર આમંત્રણમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ખાનગી માલીકીની જમીનમાં ફાયર સ્ટેશનનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવતા વકરેલા વિવાદને શાંત પડવાને માટે પાલિકાના અધિકારીઓ અને ભાજપના ઉચ્ચ નેતાઓ દોડધામ કરી રહ્યા છે. પરંતુ બિલ્ડર ટસના મસ ન થતા મામલો વધુને વધુ ગુચવાડાભર્યો બનવા પામ્યો છે. વાસના ભાયલી મુખ્ય માર્ગની રોડ ટચ સોનાની લગડી જેવી જમીન પાલિકાને કોઈપણ ભોગે અને કોઈપણ ભાવે આપવાને માટે બિલ્ડર તૈયાર ન થતા કેટલાય અધિકારીઓ અને ભાજપના નેતાઓની ઊંઘ હરામ થઇ ગયાની ચર્ચાએ પણ જાેર પકડ્યું છે. ત્યારે આ બળીયા બિલ્ડર કોણ?એને લઈને ગરમાગરમ ચર્ચાઓ થઇ રહી છે.