ઘટાટોપ વાદળોની ફોજ આકાશી સમરાંગણમાં તૈનાત થાય અને વીજળીના કડાકાનો દદુંભી નાદ ગુંજે ત્યારે વર્ષાનું પહેલું ટીંપુ ધરા પર પડતાં પહેલાં જ સંવેદનશીલ માનવીનું હૈયુ ભીંજાઈને તરબતર થઈ જાય. ભલે વડોદરામાં બે દિવસથી વરસાદ નથી - પણ કુદરત મલ્હાર રાગ આલાપવા ગળું ખોખારી રહી છે અને સાજીંદાઓ સાંજનો સૂર મેળવી રહ્યા હોય એવા આ માહોલની આલ્હાદકતા પણ મનભાવક બની રહી છે, જે લક્ષ્મી વિલાસ પેલેસના વિખ્યાત દરબાર હોલમાં ભારતીય શાસ્ત્રીય સંગીતની વિશ્વ વિભૂતિઓએ સૂર ગંગા વહાવી છે એ હોલના માથે સ્વયં મલ્હાર રાંગ ઝળુંબી રહ્યો છે.