વડોદરા : કારેલીબાગ પોલીસે તૈયાર કરેલા ડમીગ્રાહક સાથે વેબસાઈટના માધ્યમથી કોલગર્લ સપ્લાયનો સોદો કરીને ગત મોડી સાંજે કારમાં સિક્કીમની એક કોલગર્લને ડમી ગ્રાહક સુધી પહોંચાડવા માટે આવતા રંગે હાથ ઝડપાયેલો નામચીન દલાલ જીવન ભુલનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે આજે તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં તે વડોદરામાં બેઠા બેઠા જ દેશભરમાં કોલગર્લ સપ્લાયનું સેક્સ રેકેટ ચલાવતો હોવાનું ઘટસ્ફોટ કરતા પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.  

મુળ દિલ્લીના ઉત્તમનગર ગામ સ્થિત આનંદવિહાર કોલોનીમાં રહેતો જીવન શ્રીલાલ ભુલ હાલમાં સયાજીગંજ વિસ્તારની ચંદનમહલ હોટલમાં રહે છે. અગાઉ વડોદરામાં જ સયાજીગંજ અને ગોરવા પોલીસ મથકમાં નોંધાયેલા સેક્સ રેકેટના બે ગુનામાં સંડોવાયેલા જીવને તાજેતરમાં ફરીથી વેબસાઈટના માધ્યમથી ગ્રાહકો સાથે ઓનલાઈન સંપર્ક કરીને તેઓને કોલગર્લ સપ્લાય કરવાનો વેપલો શરૂ કર્યો હોવાની જાણ થતાં કારેલીબાગ પોલીસે એક ડમી ગ્રાહક મારફત જીવનનો સંપર્ક કર્યો હતો. પ્રથમ વાતચિતમાં જ તેણે તેની પાસે હાલમાં સિક્કીમની બે યુવતીઓ દેહના સોદા માટે હાજર છે તેમ કહી બંને યુવતીઓના ફોટા ડમી ગ્રાહકને મોકલ્યા હતા. ડમી ગ્રાહકે પોલીસની સુચના મુજબ એક યુવતીને પસંદ હોવાનું કહી તેને કારેલીબાગમાં પહોંચાડવા જાણ કરી હતી. સોદા મુજબ સુનિલ ગત સાંજે કોલગર્લને ગ્રાહક સુધી પહોંચાડવા માટે કારમાં આવતા જ ટ્રેપમાં ગોઠવાયેલા કારેલીબાગ પીઆઈ આર એ જાડેજા સહિતના સ્ટાફે સુનિલ અને કોલગર્લને ઝડપી પાડ્યા હતા.

પોલીસે યુવતીની પુછપરછ કરી તેને તુરંત રવાના કરી હતી જયારે જીવનનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે તેની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તે વડોદારથી બેઠા બેઠા વેબસાઈટના માધ્યમથી દેશભરમાં ફેલાયેલા તેના જેવા દલાલો મારફત માત્ર વડોદરા જ નહી પરંતું સુરત, મુંબઈ, દિલ્લી સહિત દેશભરના કોઈ પણ શહેરમાં માંગો ત્યાં કોલગર્લ સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવી રહ્યો છે. તેણે તેના મોબાઈલ નંબર બદલ્યા નથી માટે ગ્રાહકો સાથેના તેના સંપર્કો પણ યથાવત રહ્યા છે. પોલીસે જીવનની કેફિયતના પગલે રાત્રે સયાજીગંજની મમતા હોટલમાં દરોડો પાડી સિક્કીમની વધુ એક કોલગર્લને શોધી કાઢી હતી અને બંને કોલગર્લને તેઓના વતનમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

કોરોના અને લૉકડાઉનથી સેક્સરેકેટને પણ ગ્રહણ

જીવને કારેલીબાગ પોલીસને જણાવ્યું હતું કે તે ગ્રાહકની માગ મુજબ નાણાંનો સોદો કરતો હતો. કોલગર્લ સાથે એક વાર દેહના સોદા માટે તે બેથી પાંચ હજાર ખંખેરતો હતો અને કોલગર્લને માત્ર એક હજાર આપતો હતો. આ ઉપરાંત કોઈ ગ્રાહક બે દિવસ માટે કે ગ્રુપમાં સાથે લઈ જાય તો તેની માટે તે દસથી પંદર હજાર પણ વસુલતો હતો અને તેમાં કોલગર્લને પચાસ ટકા રકમ ચુકવતો હતો. જાેકે કોરોના બાદ લોકડાઉનના કારણે તેના સેક્સ રેકેટ પર પણ ભારે અસર થઈ છે અને ગ્રાહકોની માંગ ઘટતા તે ગ્રાહકનો ફોન આવે તો વધુ પુછપરછના બદલે ભાવ ઓછો કરીને કોલગર્લ સપ્લાય કરતો હતો.

વેબસાઈટ પર માત્ર એક નંબરથી કોલગર્લ મેળવી શકાય તેવું નેટવર્ક

જીવન ભુલ વેબસાઈટના માધ્યમથી કોલગર્લ સપ્લાય માટે એસ્કોર્ટ સર્વિસ ચલાવે છે અને ગુગલમાં માત્ર ૯૭૨૭૦-૧૦૩૦૮ નંબર સર્ચ કરતા જ વડોદરા સહિત દેશભરના મોટા શહેરોના એસ્કોર્ટ સર્વિસની માહિતી મળે તેવું નેટવર્ક ગોઠવ્યું છે. તે દેશભરમાં કોલગર્લ સપ્લાયરો સાથે સંપર્કમાં હોઈ તેઓ દર પંદરથી વીસ દિવસે તેઓની સાથે રહેતી કોલગર્લની અદલાબદલી કરે છે જેના કારણે ગ્રાહકોને દર પંદર દિવસે નવી કોલગર્લનો સહવાસ મળતો હોઈ તેઓ જીવન સાથે સતત સંપર્કમાં રહે છે.