રાજકોટ-

રાજકોટ ડેરી દ્વારા પશુપાલકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે. દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે રૂપિયા ૧૦નો ભાવવધારો કરવામાં આવ્યો છે. ૧ ઓગસ્ટથી પશુપાલકોને પ્રતિ કિલોએ ૬૮૦ ચૂકવાશે. દૂધમાં ભેળસેળ અને અનિયમિત ૩૯ મંડળીઓને રદ કરવાનો પણ ર્નિણય લેવાયો છે.

આજે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ૬૧મી વાર્ષિક સાધારણ સભા મળી છે, જેમાં જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં વાર્ષિક ટર્નઓવર રૂપિયા ૮૪૩ કરોડ થવા પામ્યું છે. ગત વર્ષની સરખામણીએ ૮.૫૯ ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. દૂધ ઉત્પાદક સંઘનો વર્ષ ૨૦૨૦-૨૧નો ચોખ્ખો નફો ૯.૬૧ કરોડ થવા પામ્યો છે. જેના કારણે દૂધ ઉત્પાદકો માટે મોટી જાહેરાત કરાઈ છે. દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે રૂ.૬ લેખે ૫.૭૩ કરોડ મિલ્ક ફાઇનલ ભાવની રકમ ચુકવવાની જાહેરાત કરાઈ છે.

દૂધ સંઘે સરેરાશ કિલો ફેટનો ભાવ રૂ.૬૬૫ ચૂકવેલ છે. જે ગત વર્ષ કરતા રૂ. ૯ વધારે ચૂકવેલ છે. ૧ ઓગષ્ટથી દૂધ ખરીદ ભાવમાં રૂ. ૧૦નો વધારો કરી રૂ.૬૮૦ ચુકવવાની જાહેરાત કરતા દૂધ ઉત્પાદકોમાં ખુશીની લહેર ફેલાઈ છે. દૂધ ઉત્પાદકો માટે અકસ્માત વિમા પ્રીમિયમ ૧૦૦ ટકા લેખે ૧.૨૯ કરોડ ભોગવેલ છે અને આ વર્ષે પણ અકસ્માત વીમા કવચ ૧૦ લાખનું ચાલુ રાખવાની પણ જાહેરાત કરાઈ છે. સભાસદ મંડળીઓને ૧૫ ટકા લેખે રૂ.૪.૪૨ કરોડ શેર ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત પણ સંઘ દ્વારા કરાઈ છે. દૂધ ઉત્પાદક સંઘ દ્વારા સંઘ અને ફેડરેશનના સંયુક્ત પશુ સંવર્ધન, સારવાર અને માવજત કાર્યક્રમોમાં વાર્ષિક રૂ.૩.૮૪ કરોડનો ખર્ચ થયો હોવાનું જણાવ્યું છે. કેબિનેટ મંત્રી અને સહકારી આગેવાન જયેશ રાદડિયા સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા છે. રાજકોટ જિલ્લા સહકાર દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોરધન ધામેલીયા સહિતના ડિરેક્ટરો અને સહકારી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે. કોરોનાને કારણે તમામ દૂધ મંડળીઓના સદસ્યો વચ્ર્યુઅલ હાજરી આપી છે.