ફ્રાન્સ

ભારતની ટોચની મહિલા બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલ સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. લંડન ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતાએ ફ્રાન્સમાં ચાલી રહેલ ઓર્લિયન્સ માસ્ટર્સ બેડમિંટન ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. ગુરુવારે રમાયેલી પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં ૩૧ વર્ષીય સાઈનાએ યજમાન દેશની ખેલાડી મેરી બટોમીનને સખત લડતની હરીફાઈમાં હરાવી હતી.

ચોથી ક્રમાંકિત સાઈનાએ ૫૧ મિનિટની મેચમાં બટોમીનને ૧૮-૨૧, ૨૧-૧૫, ૨૧-૧૦ થી હરાવી. ભારતની અન્ય એક મહિલા ખેલાડી પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. ભારતીય ખેલાડી ઇરા શર્માએ બલ્ગેરિયાની ખેલાડી મારિયા મિત્સોવાને સીધા સેટમાં આઉટ કરી દીધી. ઇરાએ ૩૨ મિનિટમાં મારિયાને ૨૧-૧૮, ૨૧-૧૩ થી હરાવી. આ બંને ખેલાડીઓ ઉપરાંત પુરૂષોની ડબલ્સ સ્પર્ધામાં એમ.આર.અર્જુન અને ધ્રુવ કપિલાની જોડીએ પણ મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતીય જોડીએ ઇંગ્લેન્ડના ખેલાડીઓને ૨૧-૨૧, ૨૧-૧૨ થી હરાવી બહાર કર્યા.