વડોદરા : રાજ્યભરમાં કોરોના કહેર બાદ હવે મ્યુકોરમાઈકોસિસનો ખતરો સમગ્ર રાજ્ય સહિત મોટા શહેર-જિલ્લામાં મંડારાઈ રહ્યો છે. મ્યુકોરમાઈકોસિસને રાષ્ટ્રીય મહામારી જાહેર પણ કરી દેવામાં આવી છે. બીજી તરફ દેશમાં સફેદ અને બ્લેક ફંગસનો લોકો સામનો કરી રહ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફંગસના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. જેમાં આજે સયાજી હોસ્પિટલમાં નવા ૧૧ દર્દીઓ દાખલ થતાં કુલ સંખ્યા ૧૭૪ ઉપર પહોંચી હતી, જ્યારે ગોત્રી હોસ્પિટલમાં નવા પાંચ દર્દીઓ દાખલ થયા હતા. આ સાથે ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓની કુલ સંખ્યા ૫૬ થઈ હતી. આમ બંને સરકારી હોસ્પિટલોમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની કુલ સંખ્યા ૨૩૦ ઉપર પહોંચી હતી. જેમાં ગોત્રી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકી ત્રણ દર્દીઓના મેજર ઓપરેશન કરી મોઢાના ઉપરના દાંત સાથે જડબા કાઢી નાખવામાં આવ્યા હતા. આ સાથે ૧૬ દર્દીઓના ઓપરેશન વિતેલા છેલ્લા કલાકોમાં તજજ્ઞોની તબીબી ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા. જ્યારે સયાજી હોસ્પિટલમાં દિવસ દરમિયાન ૧૯ દર્દીઓના મેજર અને માઈનોર ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાં ૭ દર્દીઓને જનરલ એનેસ્થેસિયા અને ૧ર દર્દીઓને લોકલ એનેસ્થેસિયા આપી ઓપરેશન કરવામાં આવ્યા હતા, જ્યારે ૧૪ દર્દીઓના બાયોપ્સી સેમ્પ્લ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ દર્દીઓના મોત થયાં હતાં. આ સાથે મ્યુકોરમાઈકોસિસમાં કુલ મૃત્યુઆંક ૩૩ ઉપર પહોંચ્યો હતો. ગોત્રી હોસ્પિટલમાં આજે કરાયેલા જડબા કાઢી નાખવાના ઓપરેશનમાં વડોદરાના એક વૃદ્ધ સહિત ત્રણેય દર્દીઓ વડોદરા શહેરના હોવાનું માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. મ્યુકોરમાઈકોસિસની સારવારમાં ઉપયોગી ઈન્જેકશન લાયપોઝોમ એમ્ફોટેરિસીન-બીના દર્દીઓને માથે આર્થિક ભારણ વધે તેવા સમાચાર આવી રહ્યા છે. સરકારે હવે બ્લેક ફંગસના ઈન્જેકશના ભાવમાં વધારો કર્યો છે જેથી દર્દીઓના માથે આર્થિક ભારણ પણ વધ્યું છે. એમ્ફોટેરિસીન-બીના ઈન્જેકશન રૂા.ર૯૦૦થી ૩૩૦૦માં મળતા હતા, તે હવે વધીને રૂા.૪પ૦૦ થી ૬૦૦૦ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. આ ઈન્જેકશનો બનાવતી છ કંપનીઓએ ભાવવધારો કરતાં સરકારને ભાવ વધારવાની ફરજ પડી હોવાની માહિતી મળી રહી છે. મ્યુકોરમાઈકોસિસની સારવારમાં દર્દીને રોજના ૩ થી પ અને કેટલાક દર્દીઓને ૭ ઈન્જેકશનો મુકવા પડતા હોય છે. આ સમગ્ર સારવાર દરમિયાન એક દર્દીને ૯૦ થી ૧૪૦ જેટલા ઈન્જેકશનો મુકાતા હોય છે. જેથી આ રોગની સારવાર અતિ ખર્ચાળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં સરકારી હોસ્પિટલમાં ર૩૦ મ્યુકોરમાઈકોસિસના રજિસ્ટર દર્દીઓ દાખલ છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા અલગ હોવાનું જાણવા મળ્યું છે.

મ્યુકોરમાઈકોસિસના ઈન્જેકશનો ફાળવણી કમિટીએ ખાનગી હોસ્પિટલોને રપ ઈન્જેકશનો આપ્યાં

વડોદરા. મ્યુકોરમાઈકોસિસના ઈન્જેકશનોની ફાળવણી માટે ખાસ ફરજ પરના અધિકારી - ઓએસડી ડો. વિનોદ રાવે પાંચ સદસ્યોની કમિટીનું ગઠન કર્યા બાદ આ કમિટી દ્વારા આજે શહેરની ખાનગી હોસ્પિટલોને તેમની માગણી મુજબ રપ જેટલા ઈન્જેકશનો આપવામાં આવ્યા હતા, જ્યારે સયાજી હોસ્પિટલમાં સરકાર તરફથી ૮૭૦ ઈન્જેકશનોની જરૂરિયાત સામે આજે માત્ર ૧૫૦ ઈન્જેકશનોનો જથ્થો મોકલી આપવામાં આવ્યો હતો. જેથી સયાજી હોસ્પિટલમાં ફંગસના દર્દીઓની સંખ્યા સામે ઈન્જેકશનોની ભારે અછત વર્તાઈ રહી છે.