દિલ્હી-

એક પૂર્વ પાકિસ્તાની રાજદ્વારીએ મિડિયા ડિબેટ દરમિયાન ભારતની એરસ્ટ્રાઈક બાબતે ઘટસ્ફોટ કરતાં પાકિસ્તાન ભીંસમાં મૂકાઈ ગયું છે. આ રાજદ્વારીએ કહ્યું હતું કે, ભારત દ્વારા પાકિસ્તાન બોર્ડરના બાલાકોટ વિસ્તારમાં કરવામાં આવેલી એર-સ્ટ્રાઈક દરમિયાન 300 જેટલાં આતંકવાદીઓ માર્યા ગયા હતા.

ભારતે એ સમયે હવાઈ હુમલો કર્યો ત્યારે, પાકિસ્તાન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ હુમલામાં કોઈ મોત થયા નથી. આમ, મિડિયા ડિબેટમાં પાકિસ્તાની સેના તરફે અવારનવાર ભાગ લેતા આ પૂર્વ રાજદ્વારી દ્વારા આવો ઘટસ્ફોટ કરાતાં ભારતના દાવાને સમર્થન તો મળ્યું જ છે, સાથે જ પાકિસ્તાન માટે આ ભીંસમાં મૂકતી હાલત કહેવાય. પાકિસ્તાનના બાલાકોટ ખાતેના ખૈબર પખ્તુન્વા પ્રાંતમાં રહેલા જૈશ-એ-મોહંમદના ત્રાસવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો ત્યાર બાદ, પાકિસ્તાને બચાવમાં કહ્યું હતું કે, આ જગ્યાએ કોઈ આતંકવાદી છાવણીઓ હતી જ નહીં. 

14મી ફેબ્રુઆરીએ ભારતના જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે 40 જેટલા સીઆરપીએફના જવાનોનો ભોગ લેનારા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે આ વળતો હુમલો કર્યો હતો.