પાકિસ્તાન ક્રિકેટ ટીમ કોરોના વચ્ચે 28 જૂને ઇંગ્લેન્ડના પ્રવાસે 3 ટેસ્ટ અને 3 T-20ની સીરિઝ રમવા રવાના થશે. ઇંગ્લેન્ડ પહોંચતા જ પાકિસ્તાનની ટીમ ડર્બીશાયરમાં 14 દિવસ કવોરન્ટીનમાં રહેશે. જોકે, આ સમયગાળા દરમિયાન ખેલાડીઓની પ્રેક્ટિસ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

આ ટૂર માટે પાકિસ્તાને 29 સભ્યોની ટીમને પસંદ કરી છે જેથી કોઈ પણ ખેલાડી સંક્રમિત અથવા બીમાર પડે તો તેનું રિપ્લેસમેન્ટ સરળતાથી મળી જાય. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, "કોરોનાને કારણે ઇંગ્લેંડમાં ઘરેલું ક્રિકેટ શરૂ થયું નથી. આવી સ્થિતિમાં, કાઉન્ટી ટીમો સામે પ્રેક્ટિસ મેચ શક્ય નહીં હોય. આની તૈયારી માટે પાકિસ્તાનની ટીમ ઇન્ટ્રા સ્કવોડ મેચ રમશે. પાકિસ્તાની ક્રિકેટરો 17 માર્ચથી સ્પર્ધાત્મક ક્રિકેટ રમી શક્યા નથી. ત્યારબાદ ડોમેસ્ટિક T-20 લીગ પાકિસ્તાન સુપર લીગની ફાઇનલ કોરોનાને કારણે રદ કરવી પડી હતી. ઇંગ્લેન્ડ સામેની T-20 સીરિઝ માટે પાકિસ્તાનની ટીમમાં સામેલ શોએબ મલિક 24 જુલાઈએ ટીમ સાથે જોડાશે. PCBએ તેને પરિવાર સાથે મળવાની છૂટ આપી છે. કોરોનાના કારણે મલિક છેલ્લા 5 મહિનાથી પાકિસ્તાનમાં જ છે. જ્યારે પત્ની સાનિયા મિર્ઝા અને દોઢ વર્ષનો પુત્ર ઇઝ્હાન ભારતમાં છે. તે ત્યારથી પરિવારને મળી શક્યો નથી.

PCBના CEO વસીમ ખાને મલિકને છૂટ આપવાની બાબતે કહ્યું કે, મુસાફરી પરના પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો કોઈ ખેલાડી માનવતાવાદી ધોરણે તેના પરિવારને મળવા માગે છે, તો આમા મદદ કરવી અમારી ફરજ છે. આ મામલે અમે ECB સાથે પણ વાત કરી છે. તેણે 24 જુલાઈ પછી શોએબને દેશમાં પ્રવેશ માટે મંજૂરી આપી દીધી છે.

PCBએ નિર્ણય લીધો છે કે ઇંગ્લેન્ડ પ્રવાસ પર જતા પહેલા 22 જૂને તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. પાકિસ્તાનની ટીમમાં 29 ખેલાડીઓ અને 14 અધિકારીઓ સહિત 43 સભ્યો છે. ખેલાડીઓ માટે પોતપોતાના શહેરોમાં ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. જો ટેસ્ટમાં કોઈ ખેલાડી પોઝિટિવ આવે તો રિઝર્વ પ્લેયર તેની જગ્યાએ લેશે. ટીમમાં 4 રિઝર્વ ખેલાડીઓ છે.

પાકિસ્તાને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડ સામે 3 ટેસ્ટ અને 3 T-20 મેચની સીરિઝ રમવાની છે. પ્રથમ ટેસ્ટ 30 જુલાઈના રોજ લોર્ડ્સ ખાતે રમાશે. T-20 સીરિઝ 29 ઓગસ્ટથી શરૂ થશે.