ઇસ્લામાબાદ-

પાકિસ્તાન હવે રશિયાની મદદથી ૧૧૦૦ કિમી લાંબી ગેસ પાઇપલાઇનનું નિર્માણ કરવા જઇ રહ્યું છે. આનાથી પાકિસ્તાન લિક્વિફાઇડ ગેસના વધારે ટર્મિનલ ઑપરેટ કરી શકશે. પાકિસ્તાન અને રશિયાની વચ્ચે થયેલા કરાર અંતર્ગત રશિયાની કંપનીઓ કરાચીના કાસિમ બંદરથી પંજાબ પ્રાંતના કસૂર સુધી લાંબી ૧૧૨૨ કિમી પાઇપલાઇન માટે લિક્વિડ પ્રાકૃતિક ગેસનો પૂરવઠો પૂર્ણ કરશે. પાકિસ્તાનની સરકારે આ કરારને લઇને નિવેદન જાહેર કર્યું છે.

આમાં કહેવામાં આવ્યું છે કે, આ યોજનાથી પાકિસ્તાન અને રશિયાની વચ્ચે આર્થિક સહયોગના એક નવા યુગની શરૂઆત થશે. પાકિસ્તાનમાં રશિયાનું આ રોકાણ બંને દેશોની વધી રહેલી મિત્રતાના સંકેત છે. કેટલાક દિવસ પહેલા રશિયાની સેના અને પાકિસ્તાનની સેનાએ એક સંયુક્ત અભ્યાસ પણ કર્યો હતો. ભારત આ સંયુક્ત અભ્યાસને લઇને રશિયાની સામે વાંધો ઉઠાવતુ રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખુદ આ યોજનામાં રસ દાખવ્યો હતો. બંને દેશ આ કરારને આર્થિક અને વ્યૂહાત્મક ભાગેદારીને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાવી રહ્યા છે.

આ કરારથી દશકો બાદ પાકિસ્તાનમાં રશિયાની ઉપસ્થિતિ થશે. રશિયાએ આ પહેલા ઑઇલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપની અને પાકિસ્તાન સ્ટ્રીટ મિલ્સને સ્થાપિત કરવામાં મદદ કરી હતી. રશિયાનું પાકિસ્તાનની યોજનામાં મોટા સ્તર પર રોકાણ કરવું ભારત માટે કોઈ મોટા ઝાટકાથી ઓછું નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના પારંપરિક અને ભરોસેમંદ દોસ્ત રશિયાની પાકિસ્તાન સાથે ઘનિષ્ઠતા વધી છે.