નડિયાદ :નડિયાદ નગરપાલિકામાં આજે આઉટસોર્સિંગના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઊતરી ગયાં છે. આઉટસોર્સિંગ દ્વારા જુદી-જુદી એજન્સીઓ દ્વારા લેવાયેલાં કર્મચારીઓ દ્વારા ૧૫ દિવસ અગાઉ મુખ્યમંત્રીથી માંડી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને નડિયાદ શહેરના પોલીસ અધિકારી સહિત પાલિકા પ્રશાસનને પણ આ હડતાલ અંગે જાણ કરવામાં આવી હતી. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, નડિયાદ પાલિકામાં વિવિધ એજન્સીઓ દ્વારા લેવાયેલાં કોન્ટ્રેક્ટના કરાર આધારિત કર્મચારીઓ પોતાની પડતર માગણીઓ સંદર્ભે પાલિકાના પટ્ટાંગણમાં અચોક્કસ મુદ્દતની હડતાલ પર બેઠાં છે. તેમની મુખ્ય માગણી નડિયાદ નગરપાલિકા કર્મચારી હિત રક્ષક મંડળ દ્વારા રજૂ કરાઈ છે. માગણીમાં જણાવાયું છે કે, પાલિકા દ્વારા સુપ્રીમ કોર્ટ અને સરકારનો પ્રતિબંધ હોવા છતાં આઉટસોર્સિંગથી વધારે કર્મચારીઓને રાખવામાં આવ્યા છે. પરિણામે નગરપાલિકાના સ્વભંડોળનો દૂરઉપયોગ થાય છે. ઉપરાંત મહેકમ ખર્ચની ટકાવારી વધતી હોવાથી કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ, સાતમું પગાર પંચ તેમજ પ્રમોશન જેવાં લાભ મળતાં નથી. તેમજ આઉટસોર્સિંગમાં મંજૂરી કરતાં વધારે સંખ્યામાં કર્મચારીઓ રોકવામાં આવ્યા હોય તેમની મુદ્દત પૂર્ણ થઈ હોવા છતાં એજન્સીઓના કોન્ટ્રેક્ટ ચાલું રાખવામાં આવ્યા છે. આ સંદર્ભની ઉચ્ચ કક્ષાએ જાણ કર્યા બાદ તમામ કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઊતર્યા છે.

નગરજનોમાં સળવળતો સવાલ - નડિયાદ નગરપાલિકાને ખોટ ખાઈ સાડા ત્રણ કરોડ રૂપિયા ચૂકવવામાં રસ કેમ?

આ સમગ્ર બાબતે આંતરિક સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, નડિયાદ નગરપાલિકામાં આઉટસોર્સિંગ દ્વારા રોકવામાં આવેલાં અંદાજિત ૧૫૦ જેટલાં કર્મચારીઓને નગરપાલિકાના સ્વભંડોળમાંથી પગાર ચૂકવવામાં આવે છે. જેમનો ઓન પેપર કર્મચારી દીઠ એજન્સીને ૧૧,૦૦૦ રૂપિયા પગાર ચૂકવાતો હોવાની ચર્ચા છે. વાર્ષિક હિસાબ સાડા ત્રણ કરોડ રૂપિયા થાય છે, પરંતુ એજન્સી દ્વારા કરાર આધારિત કર્મચારીઓને ફક્ત ૬,૫૦૦ રૂપિયા જ પગાર આપવામાં આવે છે, જેથી પાલિકા દ્વારા કર્મચારી દીઠ ચૂકવાયેલાં ૧૧,૦૦૦ રૂપિયામાંથી ૪,૫૦૦ રૂપિયાનો હિસાબ ક્યાં ગયોે? તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

બીજી તરફ પાલિકા દ્વારા સીધા રોકાયેલાં કર્મચારીઓને ૯,૦૦૦ રૂપિયા પગાર આપવામાં આવે છે, જેથી આઉટસોર્સિંગના કર્મચારીઓની માગ છે કે, તેમને કરાર પર નોકરીએ રાખીને ૧૧,૦૦૦ પગાર દર્શાવી ૬,૫૦૦ પગાર મળે છે. તેની બદલે નગરપાલિકા દ્વારા સીધી ભરતી કરી એજન્સીઓને હટાવી ૯,૦૦૦ પગાર આપવામાં આવે તો નગરપાલિકાના સ્વભંડોળ પરનો બોઝ ઓછો થઈ શકે તેમ છે. આ તમામની બાબતોમાં નગરપાલિકાના સ્વભંડોળમાંથી સાડા ત્રણ કરોડની ખોટ ખાવામાં પાલિકાને અને સત્તાધીશોને શું રસ છે, તે સવાલ નગરમાં ચર્ચાના ચકડોળે ચડ્યો છે!

તપાસ થાય તો કાઉન્સિલરો અને હોદ્દેદારોના કાળાચિઠ્ઠા ખુલે?

આક્ષેપ એવો કરાઈ રહ્યો છે કે, આ સમગ્ર બાબતમાં જે એજન્સીઓ દ્વારા કર્મચારીઓને કોન્ટ્રેક્ટ પર રખાયાં છે, તે એજન્સીઓના માલિકોની પહોંચ અને હોદ્દો સત્તાધારી પક્ષમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાેડાયેલો છે. એટલે જાત જાતની શંકાઓ ઉપજી રહી છે. નગરપાલિકા દ્વારા અપાયેલાં ચાર કોન્ટ્રેક્ટની એજન્સીમાં એક કોન્ટ્રેક્ટ નંબર-૮ના ભાજપના કાઉન્સિલર જીજ્ઞાસાબેન પટેલના પુત્ર વિવેક પટેલની છે. આ ઉપરાંત અન્ય ૨ એજન્સીઓમાં પટેલ કન્ટ્રોલ પેનલ અને રાજ કમલ ઇન્ડસ્ટ્રીઝ નડિયાદ ભાજપ સંગઠનના કોષાધ્યક્ષ કેતન પટેલની છે. તેમજ ભાજપના નડિયાદના ટોચના નેતાઓના નજીકના ગણાતાં જાબિરભાઈની એક એજન્સી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર બાબતે સવાલો પૂછાઈ રહ્યાં છે કે, આખરે કેમ પાલિકાને સાડા ત્રણ કરોડ રૂપિયા ખોટ ખાવાનો રસ છે? તેની પાછળનું રહસ્ય સત્તાધારી પક્ષના કાઉન્સિલરો અને હોદ્દેદારોને સીધો લાભ પહોંચાડવાનું છે કે કેમ? આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો સામે આવશે તેવો ગણગણાટ પાલિકામાં જ થઈ રહ્યો છે.

પાલિકા પ્રમુખના મતે મુદ્દો શોર્ટઆઉટ થઈ ગયો, ઉપપ્રમુખ જાણતાં નથી!

આઉટસોર્સ્િંાગના કર્મચારીઓની હડતાલ બાબતે નગરપાલિકા પ્રમુખ દિપીકાબેન પટેલનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમના પતિએ ફોન ઉપાડ્યો હતો. તેમજ પ્રમુખ પતિએ આ સમગ્ર બાબતે કહ્યું હતું કે, કોઈ મુશ્કેલી નથી, પ્રતિક ઉપવાસ હતો, તેમની રજૂઆત કરી છે અને શોર્ટઆઉટ થઈ ગયું છે. વધારે કંઈ નથી. બીજી તરફ ઉપપ્રમુખ પરીનભાઈ બ્રહ્મભટ્ટનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે આ મુદ્દે કહ્યું હતું કે, તેઓ પ્રતીક ઉપવાસ પર હતાં, પરંતુ તેઓ આજે પાલિકામાં ગયાં ન હોવાથી આ મુદ્દા સંદર્ભે કંઈ જાણતા નથી, જ્યારે ચીફ ઓફિસર પ્રણવભાઈ પારેખનો સંપર્ક કર્યો તો તેઓ મીટિંગમાં હોવાથી જવાબ આપી શક્યા નહોતા.

નડિયાદ નગરપાલિકામાં IASની નિમણૂક

આ સમગ્ર ઘટના વચ્ચે આજે નડિયાદ નગરપાલિકામાં IAS રાજ સુથારની નિમણૂક કરવામાં આવી છે. સરકાર દ્વારા હાલ તમામ નગરપાલિકામાં IAS નિમણૂક કરવામાં આવી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. નવાં આવેલાં IAS રાજ સુથારે આવ્યાં બાદ કર્મચારીઓની રજૂઆત સાંભળી હતી અને તેમની પાસે મુદ્દાના નિરાકરણ માટે સમય માગ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.