વડોદરા,તા.૧૯

ડભોઈના કરનાળી ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટ અને પંચાયતી નિરંજન અખાડા વચ્ચે ઘણા સમયથી જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. ચેરિટી કમિશનરના સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ, કરનાળી ખાતે આવેલ જમીન સર્વે નંબર ૫૯૪ (જૂનો ૪૯૫) જેનો વિસ્તાર ૫ હેકટર ૬૭ આરે અને ૯૬ ચો.મી. છે.

આ જમીન માલિકી બાબતે શ્રી કુબેરેશ્વર સોમેશ્વર મહાદેવ સંયુક્ત સંસ્થાન વડોદરા એ -૬૮૬ વડોદરા દ્વારા બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ની કલમો મુજબ સને ૨૦૦૬માં અરજી કરી હતી, જે નામદાર મદદનીશ ચેરિટી કમિશનરે જુલાઈ ૨૦૨૩માં દફતરે કરેલ છે. આ સર્વે નંબર ૪૯૫ ( જૂનો) અને નવો ૫૯૪ પંચાયતી અખાડા શ્રી નિરંજની ટ્રસ્ટ વડોદરા કરનાળી ચાંદોદ શાખાઓ નોંધણી નંબર એ/ ૬૭૫ વડોદરા નોંધાયેલ ટ્રસ્ટની છે, તેમ સ્પષ્ટ ઉલ્લેખ છે, જેમાં કરનાળી નવો સર્વે નંબર ૫૯૪ જેમાં કુબેર મંદિર, અગ્નિની તિર્થ મહાદેવ મંદિર, શિવકૃપા ધર્મશાળા, પાર્કિંગ, શનિધામ મંદિર તેમજ મહાકાળી મંદિર, નર્મદા નદીમાં જવાના ધાટ, શિવાલયો, દુકાન સહિત રસ્તા સહિતની જગ્યાઓની જમીન, આશ્રમો સહિતની મિલ્કતો પૈકી કોઈ પણ મિલકત તબદીલ ના થાય એવું પંચાયતિ નિરંજન અખાડાના અધ્યક્ષ મહંત ટ્રસ્ટી દિનેશગીરી ગુરૂ શિવગીરી દ્વારા બોર્ડ મારી દેવામાં આવ્યું છે. અધિક શ્રાવણ માસની શરૂઆત થઇ ચૂકી હોય નિરંજની ટ્રસ્ટના સાધુ સંતો દ્વારા કુબેરદાદાની આરતી ઉતારવામાં આવી હતી. ચુકાદાની ચર્ચા ડભોઈ પંથકમાં થઈરહી છે. હુકમનો અભ્યાસ કરી બંને પક્ષો પોતાની રણનીતિ ઘડશે એવું હાલ લાગી રહ્યું છે.