અંબાજી,તા.૦૨ 

અમદાવાદની બ્રેઈન ડેડ મહિલાની કિડનીથી અંબાજી કોલેજના પ્રોફેસરને નવજીવન મળતાં પરિવારમાં ખુશી છવાઈ છે. અંબાજીમાં આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજના લેક્ચરર કિંજલબેન તિવારીની કિડની ૫ વર્ષથી ફેઈલ થઇ ગઈ હતી.ત્યારબાદ શરીરના બીજા અંગો કામ કરતા ઓછા થઇ ગયા હતા. તેમનુ હાર્ટ માત્ર ૨૦ ટકા જ કામ કરતુ હતુ અને આ કારણે તેમનું વજન પણ સતત ઘટતું રહેતું હતુ અને શરીરમાં નબળાઈ પણ આવી ગઈ હતી. ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે ત્યારબાદ જ બીજા અંગો કામ કરતા થશે. કિડની કામ કરતી ન હોવાના કારણે અઠવાડીયામાં ત્રણ વખત ડાયાલીસીસ કરાવવું પડતું હતુ. તેવામાં અમદાવાદના ઘોડાસરમા આવેલા પુષ્પક બંગલા ખાતે રહેતા જાગૃતિબેન કાછીયાને ચક્કર આવતા તેમને મણીનગરની ખાનગી હોસ્પીટલ ખાતે લઇ જવાયા હતા અને તેમને વેન્ટીલેટર લગાવી બ્રેઈન સ્ટ્રોક છે અને બચવાના કોઈ ચાન્સ નથી તેવુ બંને સંતાનોને જણાવાયું હતું. સાઉદી અરેબીયાથી જાગૃતિબેનના પતિ રાહુલભાઈને બોલાવવામાં આવ્યા અને બંને બાળકોને ડોક્ટરએ કહ્યું હતું કે તમારા માતાના શરીરના બીજા અંગો સારા છે.

બંને સંતાનોએ ઓર્ગન ડોનેટ કરવાનો વિચાર કરીને અંબાજીની કિંજલબેનની જિંદગી પોતાના માતાની કિડની આપી બચાવી લીધી છે. પાંચ વર્ષ બાદ અમદાવાદની બ્રેઇન ડેડ મહિલાની કિડની મળતા તેમના શરીરમા ટ્રાન્સપ્લાન્ટ સફળ રીતે કરવામાં આવ્યું છે. અને તેમને નવું જીવન મળ્યું છે અને કિંજલબેન પોતાના અમદાવાદ ખાતે ઘરે આવી ગયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેમના શરીરમાં જાગૃતી બેનની કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ થઇ ગયું છે.