નિરજ પટેલ-કેયુર ભાટિયા, તા.૫ 

શહેર પોલીસ માટે અત્યંત શરમજનક કહી શકાય અને પોલીસની આબરૂના લીરેલીરા ઉડાડનાર ૩૦ ઉપરાંતની વીડિયો ક્લિપ સાથેની વીડિયો સીડી ગૃહ રાજ્યમંત્રી, સ્ટેટ મોનિટરિંગ સેલથી માંડી ઉચ્ચ પોલીસ અધિકારીઓને શહેરના કંટાળેલા જાગૃત નાગરિકે મોકલી છે. જેમાં મહિલા બૂટલેગરના દારૂના અડ્ડાઓ ઉપર ર૭ જેટલા પોલીસ કર્મચારીઓ ખૂલ્લેઆમ હપ્તારૂપે રૂપિયા લેતાં કેમેરામાં આબાદ ઝડપાઈ ગયા છે. મોટાભાગના પોલીસ કર્મચારીઓ બાપોદ પોલીસ મથકના છે, જ્યારે એસઓજી અને ડીસીબીના પોલીસ કર્મચારીઓ પણ રૂપિયા ઉઘરાવતા હોવાથી આબાદ ઝડપાઈ ગયા છે.એક તરફ રાજ્યના પોલીસવડા કડક દારૂબંધીના અમલ માટે વારંવાર સૂચનાઓ આપે છે, તેમ છતાં ઉપરી અધિકારીઓને અંધારામાં રાખી લાંચિયા અને હપ્તાખાઉં એવા કેટલાક પોલીસ વિભાગના કર્મચારીઓ બૂટલેગરોને છાવરી દારૂના ધંધાની છૂટ આપે છે અને મોટી મોટી રકમના હપ્તા ઉપરાવે છે. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં રહેતી મહિલા બૂટલેગર દ્વારા ચલાવાતાં મોટા દારૂના અડ્ડા ઉપર સાંજ પડે ત્યારે મોટી ભીડ જામે છે એમાં ખૂલ્લેઆમ પોલીસ કર્મચારીઓ જ જાહેર માર્ગ ઉપર રૂપિયા લેતાં હોવાનું કેમેરામાં આબાદ રીતે ઝડપાઈ ગયા છે.

લાકડાઉનના કારણે વિદેશી દારૂની અછત સર્જાતાં ઉચ્ચ અને ભદ્ર વર્ગના લોકો પણ દેશીદારૂ ઉપલબ્ધ હોવાથી નશા માટે એની તરફ વળ્યા હતા. જેના કારણે જાહેર માર્ગોની બાજુમાં જ ચાલતા ધમધોકાર દારૂના અડ્ડાઓ ઉપર લોકોની સતત અવરજવરથી ત્રાસેલા એક જાગૃત નાગરિકે વારંવાર કરેલી ફરિયાદ બાદ પણ સ્થાનિક પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરતાં અંતે પોલીસની મિલીભગત અને હપ્તાબાજીથી ચાલતા આ ધંધાઓનું વીડિયો શૂટિંગ કરાયું હતું. જેમાં ચોંકાવનારા દૃશ્યો કંડારાયા છે. ત્રણ દિવસ સુધી દિવસ-રાત કરાયેલા શૂટિંગ દરમિયાન બાપોદ પોલીસ મથકના પીઆઈની ગાડી પણ દારૂના અડ્ડા ઉપર આવે છે. જ્યારે રાઈટરથી માંડી ડી સ્ટાફના જવાનો અને સમન્સ આપવાની ફરજ બજાવનાર પોતપોતાની બાઈક લઈને જુદા જુદા સમયે આવી મહિલા બૂટલેગર પાસેથી ખૂલ્લેઆમ રૂપિયા લેતાં કેમેરામાં ઝડપાયા છે. મહત્વની વાત તો એ છે કે શહેર પોલીસની મહત્વની બ્રાન્ચો એસઓજી અને ડીસીબીના પોલીસ જવાનો પણ ખૂલ્લેઆમ રૂપિયા ઉઘરાવતા નજરે પડે છે. ખૂલ્લેઆમ ચાલતા આ હપ્તારાજના દારૂના અડ્ડાઓ ઉપર કેટલાક પોલીસ જવાનો રૂપિયા તોલે છે, ઉપરથી દારૂની માગણી કરી દારૂ પણ પોતાની સાથે લઈ જતા નજરે પડે છે, જે વડોદરા પોલીસ માટે અત્યંત શરમજનક છે.

બાપોદ પીઆઈની ગાડી દારૂના અડ્ડા પર હપ્તા ઉઘરાવવા આવે છે

સામાન્ય રીતે આવા અડ્ડાઓની વિગતો બહાર આવતાં હાથ નીચેના પોલીસ કર્મચારીઓ ઉપર દોષનો ટોપલો ઢોળી દેવાતો હોય છે પરંતુ જાગૃત નાગરિકના વીડિયો શૂટિંગમાં બાપોદ પોલીસ મથકના પીઆઈની બોલેરો વન નંબર જીજી ૦૬ ૨૯૬૩ સાંજના સમયે આવીને ઊભી રહે છે અને મહિલા બૂટલેગર રૂપિયા આપ્યા બાદ રવાના થવાના બદલે ખાસ્સીવાર દારૂના અડ્ડા ઉપર ઊભી રહે છે એ કેમેરામાં ઝડપાયું છે. આ ઉપરાંત પોલીસને અપાયેલી સફેદ કલરની બાઈક લઈને પણ રૂપિયા ઉઘરાવતા દૃશ્યો ક્લિપમાં સામેલ છે.

મહિલા બુટલેગરના ગ્રાહકોમાં કાર લઈને આવનાર મહિલાઓ સામેલ

મહિલા બૂટલેગર ચકુના દારૂના અડ્ડા ઉપર સારા શ્રીમંત પરિવારના લોકો નિયમિત દારૂ લેવા આવતા હતા જેમાં વૈભવી કારમાં મહિલાઓ પણ દારૂ લેવા આવતી હોવાનું જાગૃત નાગરિકના વીડિયો શૂટિંગમાં ઝડપાયું છે. જ્યારે અન્યો પણ વૈભવી કારો અને રિક્ષા, એક્ટિવા સ્કૂટર, બાઈક ઉપર પણ દારૂ લઈ જતા હોવાનું જાગૃત નાગરિકના વીડિયો શૂટિંગમાં ઝડપાયું છે.

પોલીસના બેવડાધોરણનો પર્દાફાશ

બાપોદ પોલીસના ખોડિયારનગરમાં ધમધમતો દારૂનો અડ્ડો મહિલા બૂટલેગર ચકુ ચલાવી રહી છે, જે હાલમાં ભારે ચકચારી બનેલા સૂરજ ઉર્ફે ચુઈની માસીની દીકરી હોવાનું માનવામાં આવે છે. વડોદરા પોલીસને પડકાર ફેંકનાર ચુઈના નજીકના સગાંને જ દારૂ વેચવાની છૂટ આપવા પાછળ વડોદરા પોલીસના બેવડા ધોરણ છતા થાય છે. મહિલા બૂટલેગર ચકુને ખોડિયારનગરના ભરવાડોનું પીઠબળ છે. જેનાથી હિંમતપૂર્વક ધંધો કરે છે પરંતુ આસપાસ રહેતા રહીશો હંમેશાં ડરના માહોલમાં રહે છે.

મહિલા બુટલેગર સાથે જવાનોની મજાક-મસ્તી

રાજ્યના ગૃહમંત્રી, વિજિલન્સ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને મોકલાયેલી આ વીડિયો ક્લિપમાં બાપોદ પોલીસ મથકના પીઆઈના રાઈટર પ્રવીણ, કોન્સ્ટેબલ સંજય, મુન્નો, રાકેશ ઉપરાંત સમન્સ બજાવવાની કામગીરી કરનાર પોલીસ જવાન પણ મહિલા બૂટલેગર સાથે આત્મીયતા હોય એમ મજાક-મસ્તી કર્યા બાદ રૂપિયા સ્વીકારતાં જુદી જુદી ક્લિપમાં આબાદ ઝડપાયા છે.