અમદાવાદ-

સમગ્ર દેશમાં અનેક ઠેકાણે બરફવર્ષા થઈ રહી છે અને સાથે જ રાજ્યમાં પણ કાતિલ ઠંડીનો પ્રકોપ ચાલુ છે, ત્યારે સોમવારે સવારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વિઝિબિલિટી એકદમ ઓછી થઈ જતાં સંખ્યાબંધ વાહનોની એકબીજા સાથે ટક્કર થઈ હોવાના સમાચાર મળ્યા છે.

સોમવારે સવારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આ જ કારણથી ગંભીર રીતે અકસ્માત સર્જાયો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે વિઝીબલિટી ઘટી જવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓછી વિઝબલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ના દેખાતા અમદાવાદથી વડોદરા તરફ જતાં 45થી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા હતા.જે હાઈવે પર લોકો 100ની સ્પીડે ગાડી ચલાવી રહ્યાં છે તેઓને હાલમાં 30ની સ્પીડે ગાડી ચલાવવાની ફરજ પડી છે. વહેલી સવારે ડ્રાઈવ કરી રહેલા કેટલાંકે પોતાનો અનુભવ કહ્યો હતો કે હાઈવે પર ધુમ્મસ હોવાને લીધે 100 ફૂટ દૂરનું દૃશ્ય પણ હાલમાં સ્વચ્છ રીતે દેખાતું નહોતું. અકસ્માતની આ હારમાળાને પગલે હાઈવે પર ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જો કે આ અકસ્માતની વણજારમાં કોઈના મોત કે ઈજાના સમાચાર હજુ સુધી નથી મળ્યા.