મુંબઇ

ફેશનની દુનિયામાં દેશી રંગ પૂરતા પાબીબેન રબારી વિશે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે, હવે પુરુષો કરતા મહિલાઓ આગળ આવી રહી છે ત્યારે કચ્છના માત્ર ચાર ચોપડી ભણેલા પાબીબેન વિદેશીઓ સાથે બિઝનેસ કરે છે. ગ્લોબલ સ્તરે પ્રસિદ્ધિ કમાઈ ચૂકેલા કચ્છના પાબીબેન રબારી બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચન સાથે કૌન બનેગા કરોડપતિના એપિસોડમાં જોવા મળ્યા હતા. કચ્છના પાબીબેનનો આ એપિસોડ 15મી જાન્યુઆરીએ ટીવી પર ઓન એર થયો હતો. 


બોલીવુડના સેલિબ્રિટી અનુપમ ખેર પણ પાબીબેન સાથે શોમાં જોડાયા હતા. શોમાં પાબીબેન 25 લાખ રૂપિયા સુધીની રકમ જીતીને ઘરે ગયા હતા. આટલું જ નહીં અમિતાભ બચ્ચન અને અનુપમ ખેરને કારીગર કિલનીક દ્વારા તૈયાર કરવામાં આવેલા લોકલ ગીફટ બોકસ આપવામાં આવ્યા હતાં. જે જોઇને તેઓ અભિભૂત થયા હતાં. અને અમિતાભ બચ્ચને પાબીબેન વિશે કહ્યું હતું કે, 'પાબીબેન હિન્દુસ્તાનનો તે અરીસો છે જ્યાં માણસાઈનો ચહેરા સ્પષ્ટ દેખાય છે.' 

શોમાં અમિતાભ બચ્ચને જણાવ્યું કે, પાબીબેન ક્યારેક 1 રૂપિયામાં પાણી ભરવાનું કામ કરતા હતા, પરંતુ હવે તેઓ અઢી લાખ મહિલાઓને રોજગારી આપે છે. તેમણે પોતાની એક ડિઝાઈનની શોધ કરી હતી, જેને લોકોએ એટલી પસંદ કરી કે પાબીબેન રબારી હવે એક બ્રાન્ડ બની ગયા છે. હવે પાબીબેન ઘણી મહિલાઓને પોતાના સાથે જોડીને તેમને આત્મનિર્ભર બનાવવાનું કામ કરે છે. આ તમામ મહિલાઓ મળીને ડિઝાઈનર કપડા અને બેગ બનાવવાનું કામ કરે છે. 

પાબીબેને રબારી ભરતકામને પાબીબેન.કોમ દ્વારા કચ્છની સુવાસ વિદેશોમાં પ્રસરે તેના માટે બનાવ્યું છે. તેઓ હવે ગ્લોબલ સ્તરે પ્રસિદ્ધ થઈ ગયા છે. અંજારના ભાદરોઈ ગામના કચ્છી કારીગત અને ઉદ્યોગ સાહસિક પાબીબેન રબારી પાસે કોઈ ડિગ્રી નથી, અથવા તો કોઈ અનુભવ છતાં તેમને એકલા હાથે કચ્છનું નામ રોશન કર્યું છે. 

પાબીબેન રબારી સમાજના છે અને તેઓ અભ્યાસમાં માત્ર ચાર ચોપડી ભણેલા છે. ગુજરાતી સિવાય અન્ય કોઈ ભાષા તેમને આવડતી નથી. પણ તેમની કલાના માધ્યમથી તેઓ આજે વિદેશી લોકો સાથે સરળતાથી વાતચીત કરી શકે છે અને બિઝનેસ પણ! પાબીબેનનું હરી જરી વર્ક લોકોને ઘણું પસંદ પડી રહ્યું છે. અને આ જ ટ્રેડીશનલ વર્કની સાથે મોડર્ન કલર્સ અને ડીઝાઈનનો મેળ કરી પાબીબેન 19 પ્રકારની બેગ્સ બનાવે છે. આ સિવાય તેઓ ટ્રેડીશનલ વર્ક ધરાવતા કવર્સ, બટવા, કેડિયા વગેરે જેવી ઘણી પ્રોડક્ટ્સ ડીઝાઈન કરે છે.