વડોદરા, તા.૩ 

રેલવેમાં ખાનગીકરણ, નવી પેન્શન સ્કીમ દૂર કરી જૂની પેન્શન સ્કીમનો અમલ કરવા સહિતની માગ સાથે કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિ સામે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે પ્રતાપનગર ડીઆરએમ ઓફિસ બહાર સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજ્યા હતા.

કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિ સામે આજે દેશભરના કામદાર સંગઠનોએ વિરોધ કરી દેખાવો યોજ્યા હતા. ત્યારે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા મોંઘવારી ભથ્થુ, મોંઘવારી સહાય બંધ કરવાના આદેશ વિરુદ્ધ છ ડિવિઝન ખાતે ડીઆરએમની ઓફિસ અને વર્કશોપની ઓફિસ સામે દેખાવો યોજ્યા હતા. રેલ કર્મચારીઓએ શ્રમિક કાયદાઓ નહીં બદલવા, મોંઘવારી ભથ્થુ બંધ કરવાનો આદેશ રદ કરવા, રેલવેમાં ખાનગીકરણ બંધ કરવા તેમજ જૂની પેન્શન સ્કીમ મુજબ પેન્શન આપવા, જ્યારે રેલવે મંત્રાલય હાલ જે ૧૫૧ મેલ-એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો પ્રાઈવે પાર્ટીઓને વેચવા જઈ રહી છે તેનો વિરોધ કર્યો હતો.