વડોદરા

વડોદરાની મધ્યમાં પદમાવતી શોપિંગ સેન્ટર ખાતે આવેલ રેલવે બુકિંગ ઓફિસ કોરોના મહામારીને કારણે બંધ કરવામાં આવી હતી. જે લોકોની સુવિધા માટે શરૂ કરવા મંત્રી યોગેશ પટેલની રજૂઆત બાદ આવતીકાલથી ફરીથી શરૂ કરવા રેલવે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીને કારણે હાલ રેલવેતંત્ર દ્વારા મર્યાદિત સંખ્યામાં ટ્રેનો ચલાવાઈ રહી છે. જ્યારે પદમાવતી સ્થિત રેલવે બુકિંગ સેન્ટર બંધ રાખવામાં આવ્યું છે. પરંતુ શહેરની મધ્યમાં આવેલ આ રિઝર્વેશન સેન્ટર ફરી શરૂ કરવા લોકોએ મંત્રી યોગેશ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં લઈને મંત્રી યોગેશ પટેલે ડીઆરએમને પત્ર લખી શહેરના હાર્દસમા મંગળ બજાર, માંડવી સહિત જૂના શહેરી વિસ્તારના લોકો પદમાવતી શોપિંગ સેન્ટર ખાતે આવેલ રેલવે બુકિંગ સેન્ટરનો ઉપયોગ કરતા હતા, પરંતુ હાલમાં આ રેલવે બુકિંગ સેન્ટર બંધ હોવાથી લોકો ટિકિટ બુકિંગ માટે તકલીફ ભોગવી રહ્યા છે. ટિકિટ બુકિંગનો વ્યવસાય કરતાં લોકો પણ હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આ બુકિંગ સેન્ટર ફરીથી શરૂ કરવા રજૂઆત કરાઈ હતી. ડીઆરએમને રજૂઆત કર્યા બાદ આવતીકાલથી આ બુકિંગ સેન્ટર ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.