અમદાવાદ-

૧૦ પર્વના સરતાજ એવા દીપાવલી પર્વના ઉજવણીનું કાઉન્ટડાઉનના શરૂ થયું છે ત્યારે જુનાગઢ શહેર સહિત જિલ્લાભરના શહેરોમાં ગૃહ સુશોભનની અને શણગારની ચીજ વસ્તુઓ જેવી કે, આકર્ષક તોરણ, રંગબેરંગી રંગોળીના રંગો, મનમોહક આરતિફિશિયલ ફલાવર, કલાત્મક દિપક, અવનવી રોશનીની ધૂમ ખરીદી શરૂ થવા પામી છે, લોકો કોરોનાને ભૂલી બજારમાં દીપાવલીના પર્વને આવકારવા માટે જોઈતી ચીજવસ્તુઓ ખરીદવા મોટી સંખ્યામાં ઉમટયા છે.

દિવાળીના તહેવારો આવે એટલે ગૃહ લક્ષ્‍મી, યુવતીઓ અને વડીલ મહિલાઓ દ્વારા ઘરને સુશોભિત કરવાની પ્રથમ કાર્ય કરવામાં આવે છે, ત્યારે જૂનાગઢ શહેરમાં છેલ્લા બે દિવસથી ઘરને સુશોભિત બનાવતી ચીજવસ્તુઓની ખરીદી વધવા પામી છે. આકર્ષક તો, અવનવી રોશની લાઈટો, ઘરને રળિયામણું બનાવવા માટે સતરંગી રંગોળીના રંગો, ઘરને કંઈક અલગ લુક આપવા આર્ટિફિશિયલ ફ્લાવર્સ અને પોટ ની સાથે દિવાળીના પાંચ દિવસો દરમિયાન ઘરના ટોડલે અને વિવિધ જગ્યાએ મુકાતા અવનવા દિપક ની ખરીદી શરૂ થઈ ગઈ છે. 

આ વર્ષે બાળકો, તરુણો, યુવાનોના પ્રિય એવા ફટાકડામાં પણ દર વર્ષ કરતાં ભાવમાં ૧૦થી ૨૦ ટકાનો વધારો થયો છે જેને લઇને હજુ ફટાકડાના સ્ટોલ ઉપર ગિરદી જણાતી નથી, પરંતુ દિવાળીના દિવસો દરમિયાન જોઈતા પ્રમાણમાં અને કરકસર સાથે ફટાકડા ની ખરીદી નીકળશે એવું ફટાકડાના જથ્થાબંધ વેપારીઓ જણાવી રહ્યા છે. હાલમાં લોકોની આર્થિક સ્થિતિ નબળી છે, ત્યારે સૂકામેવા ની છૂટક ગ્રાહકોની ખરીદી સાવ તળીયે બેસી ગઈ છે, અને બજારમાં વિવિધ સ્વાદ, સોડમના મુખવાસ મળી રહ્યા છે, ત્યારે ભાતભાતના મુખવાસની ખરીદી તરફ વળ્યા છે.