રાજકોટ, રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન-બાન અને શાનથી દેશદાઝ સાથે ઘંટેશ્વર એસઆરપી કેમ્પ ખાતે કરવામાં આવનાર છે. કોરોના વાયરસની મહામારીની રફતારના પગલે આ વખતે પ્રજાસતાક પર્વ કોવિડ-૧૯ની ગાઇડલાઇન અંતર્ગત મર્યાદિત કાર્યક્રમો સાથે ઉજવવાનો ર્નિણય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલ છે. પ્રજાસત્તાક પર્વ પ્રસંગે ધ્વજવંદન રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે કરવામાં આવનાર છે. આ પ્રસંગે રાષ્ટ્ર ભકિતના ૪ થી પ જેટલા કાર્યક્રમો શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવનાર છે. આ અંગે આજે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ સાથે ખાસ બેઠક આયોજીત કરી જરૂર માર્ગદર્શન કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા આપવામાં આવ્યું હતું. સુત્રોએ આ અંગે જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીના કેસોમાં સતત વધારો થઇ રહ્યો હોય સાવચેતીના પગલારૂપે પ્રજાસતાક પર્વની ઉજવણી મર્યાદિત સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે જ કરવામાં આવનાર છે. રાજકોટ શહેરની ૪ થી પ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા કોવિડ-૧૯ની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી આ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરશે. વેકસીનેટેડ વિદ્યાર્થીઓ દ્વારા જ આ કાર્યક્રમો રજુ કરવામાં આવશે. જેમાં દેશભકિતના ગીતો તેમજ રાષ્ટ્રભકિતની કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવશે. પ્રજાસતાક પર્વની આ ઉજવણી સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.