વલસાડ-

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા સરહદી વલસાડ જિલ્લાના વિસ્તારમાં તા.૪થી સપ્ટેમ્બરે સવારે તા. ૫મી સપ્ટેમ્બરે રાત્રે ભૂકંપના હળવાથી ભારે ઝાટકા આવતા, લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. પરંતુ સૌથી વધુ ચોંકાવનારી અને ચિંતાજનક ઘટનામાં કપરાડા તાલુકાના ગિરનારા ગાંમે શનિવારે ભૂકંપના આંચકાથી ગામના પારસપાડા ફળિયામાં આવેલી નળગદેવ હિલ ઉપર સ્થિત સરકારી શીરપડતર જમીનમાં આશરે ૧ કિમી સુધીના વિસ્તારમાં મોટી તિરાડો પડી ગઈ છે. ભૂકંપનું સંભવતઃ કેન્દ્રબિંદુવાળી જગ્યાએ આશરે ૮૫ ફૂટ લાંબી અને ૭ ફૂટ ઉંડા જેટલી જમીન ઘસી પડી છે. એ જગ્યાની આસપાસના વિસ્તારમાં આવેલી જમીનમાં ઠેકઠેકાણે તિરાડ પડી જતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. કપરાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં વર્ષોથી ભૂકંપના આંચકા અનુભવવામાં આવી રહ્યા છે.

કેટલાક જાણકારો, ક્વોરીમાં ટેટા ફોડવાને કારણે ધરા ધ્રુજી જતી હોવાનો તર્ક કરતા તો કેટલાંકે ભૂકંપના આંચકા અનુભવ્યા હોવાનો મત દર્શાવ્યો હતો. સંબંધિત સરકારી તંત્ર દ્વારા આ મુદ્દે તપાસો કરાઈ પરંતુ કોઈ નક્કર કારણો બહાર આવ્યા નહોતાં. દરમિયાનમાં ગત તા. ૦૪-૦૯-૨૦૨૦ના રોજ રાત્રે દાદરા નગર હેવલી તેમજ વલસાડ જિલ્લાના સરહદી ગામો ઉપરાંત વલસાડના શહેરી વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દાદરા નગર હવેલીમાં આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૪.૦ નોંધાઈ હતી.

જેનાથી કોઈ મોટું નુકસાન થયું નહોતું. પરંતુ તા.૫મીઓ ૧૦ વાગ્યે કપરાંડાના ગિરનારા ગામના પારસપાડા ફળિયાના નળગદેવ વિસ્તારમાં હિલ ઉપર સરકારી શીરપડતર જમીનમાં ભૂકંપના જાેરદાર આંચકા આવ્યા હતાં. જેને કારણે આશરે ૧ કિ.મી કરતા વધુ વિસ્તારની જમીનમાં મોટી મોટી તિરાડો પડી ગઈ હતી. કેટલાંક ઠેકાણે તિરાડોની સાથે જમીન ધસી પડી હતી. નજીકમાં આવેલા રહેણાંક વિસ્તારમાં જમીનમાં કંપન અનુભવાયું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.