રાજકોટ-

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં મોડી રાત્રે આગ લાગતા સારવાર લઇ રહેલ 5 દર્દીઓના મોત થયા છે. કોવિડ હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જેમાં આઇસીયુ વિભાગમાં કુલ 11 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. આઇસીયું વિભાગમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક રાહે એમ્બ્યુલન્સ મારફત અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ , મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ અને મેયર બીનાબેન આચાર્ય ઘટનાસ્થળે પહોંચ્યા હતા તેમજ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે. ફાયર એનોસી તેમજ પૂરતા ફાયર સેફટીના સાધનો પણ ઉપલબ્ધ છે. પરંતુ શા કારણે આગ લાગી તે હજુ સામે આવ્યું નથી. મેયર બીનાબેન આચાર્ય તેમજ કોર્પોરેશન કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે ખુબજ દુઃખદ ઘટના બની છે. આગ શા કારણે લાગી તે પોલીસ તપાસ બાદ ખ્યાલ આવશે.જો કોઈ પણ બેજવાબદાવ્યક્તિ હશે તેને છોડવામાં નહીં આવે . આગની ઘટના સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતત તમામ અધિકારીના સંપર્કમાં રહી પરિસ્થિતિ વિશે માહિતી મેળવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજકોટની શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.