રાજકોટ-

શહેરમાં 21થી 23 નવેમ્બર ત્રણ દિવસ રાત્રિ કરફ્યૂ દરમિયાન પોલીસે 820 કેસ નોંધ્યા છે. પોલીસે જાહેરનામાનો ભંગ, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ તેમજ વાહન ચેકિંગ અને વાહન ડિટેઈન જેવા 820 જેટલા પોલીસ કેસ નોંધ્યા છે. જાહેરનામાના ભંગના 349, સોશિયલ ડિસ્ટન્સના ભંગના 192 કેસ, વાહન ચેકિંગ અને વાહન ડિટેઈનના 234 પોલીસ કેસ નોંધાયા છે. રાજકોટમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો થાય તે માટે પોલીસ સતત એક્ટિવ થઈ છે અને કરફ્યૂનો ચુસ્તપણે પાલન કરાવી રહી છે.

રાજકોટમાં રાત્રિ દરમિયાન પોલીસ, એસઆરપી, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે રાજકોટ પોલીસના અધિકારીઓ દ્વારા રાત્રિ દરમિયાન ફરજ બજાવતા જવાનો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ સાથે જ કરફ્યૂ દરમિયાન રાજકોટવાસીને કોઈ તકલીફ કે મૂશ્કેલી ઊભી થાય તો તેના માટે વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા 8320965606 વોટ્સએપ નંબર જાહેર કરાયો છે અને મદદ માટે આ નંબરનો સંપર્ક કરવાનું પ્રજાને અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં દિવાળી બાદ એકાએક કોરોના કેસનો રાફડો ફાટી નીકળ્યો હોવાથી સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂ લગાવી દીધો છે. પોલીસ પણ રાત્રિ કરફ્યૂનો અમલ કરાવવા સતર્ક થઈ ગઈ છે અને લોકોને ચુસ્તપણે કરફ્યૂનું પાલન કરાવી રહી છે. રાજકોટમાં પોલીસે માત્ર ત્રણ દિવસમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન 800થી વધારે અલગ અલગ કેસ નોંધ્યા છે.