દિલ્હી-

મુકેશ અંબાણીની નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ એક નવો ઈતિહાસ રચી દીધો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 12 લાખ કરોડ રૂપિયા માર્કેટ કૅપ પાર કરનારી દેશની પહેલી કંપની બની ગઈ છે. સોમવારે BSE પર RILનો શૅર 3.21 ટકાના ઉછાળાની સાથે 1938.80 રૂપિયા પ્રતિ શૅરના ભાવ પર પહોંચી ગયો. RILના શૅરમાં તેજીથી કંપનીનો માર્કેટ કૅપ 12 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયો. RIL 12 લાખ કરોડ રૂપિયા માર્કેટ કૅપ ટચ કરનારી ભારતની પહેલી કંપની છે. એક મહિનાથી પણ ઓછા સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટ કૅપમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે.

RILની વધુ એક મોટી ડીલઃ RILએ પોતાના ટેલિકોમ આર્મ જિયો પ્લેટફોર્મ્સ માટે વધુ એક મોટી ડીલ કરી છે. વાયરલેસ ટેક્નોલોજીસ સેક્ટરની દિગ્ગજ કંપની ક્વાલકૉમ ઇનકોર્પોરેટેડની ઇન્વેસ્ટમેન્ટ કંપની ક્વાલકૉમ વેન્ચર્સે જિયોમાં 730 કરોડ રૂપિયાના રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ ડીલના બદલે ક્વાલકૉમ વેન્ચર્સને જિયોમાં 0.15 ટકા હિસ્સેદારી મળશે.

આ ડીલ માટે જિયોની ઇક્વિટી વેલ્યૂ 4.91 લાખ કરોડ રૂપિયા જ્યારે એન્ટરપ્રાઇઝિસ વેલ્યૂ 5.16 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 12 સપ્તાહની અંદર જિયો પ્લેટફોર્મ્સમાં આ તેરમું રોકાણ છે. 12 સપ્તાહમાં જીયો પ્લેટફોર્મ્સે 25.24 ટકા ભાગીદારી થકી હવે 1,18,318.45 કરોડ રૂપિયા એકઠાં કર્યાની જાહેરાત કરી છે. જેમાં દુનિયાના કેટલાક પ્રમુખ ટેક ઈન્વેસ્ટર્સ સામેલ છે.

સૌથી પહેલા 22 એપ્રિલે ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકાની ભાગીદારી માટે 43,574 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ જનરલ એટલાન્ટિક, KKR, સાઉદી સોવરેન વેલ્થ ફંડ, અબુ ધાબી સ્ટેટ ફંડ, સાઉદી અરબની પીઆઈએ અને ઈન્ટેલ જેવા ગ્લોબલ ઈન્વેસ્ટરેને પણ જીયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે.

ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.