વડોદરા, તા.૪

એસએસજી હોસ્પિટલ ખાતે નવીનીકરણ પામેલા નવજાત શિશુસારવાર એકમ સહિત બાળ સારવાર વિભાગ અને તેને સંલગ્ન એકસ્ટ્રા મ્યુરલ નિયોનેટલ ઈન્ટેનસિવ કેર યુનિટ અને કાંગારૂ મધર કેરને રાજ્ય સરકારના નિયુક્ત કોવિડ સલાહકાર મીનુ પટેલ, સુપ્રિટેન્ડેન્ટ રંજન અય્યર સહિતે કાર્યરત કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૯માં આગના હોનારતમાં સઘન બાળ સારવાર એકમ ભસ્મિભૂત થયુ હતું.

આ સંદર્ભે ડો. મીનુ પટેલે જણાવ્યું કે, આગના બનાવ બાદ બાળરોગ વિભાગના સઘન બાળ સારવાર એકમને એસ.એસ.જી. હોસ્પિટલના ઈમરજન્સી-ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું. ત્યાર બાદ કોરોના મહામારી આવતા આ બિલ્ડિંગના ઉપરના તમામ માળને કોરોના દર્દીઓ માટે આરક્ષિત કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં સઘન બાળ સારવાર એકમને આ બિલ્ડિંગમાં રાખવુ હિતાવહ ન હતું. જેથી સંબંધિત અધિકરીઓ સાથે પરામર્શ કરીને સઘન બાળ સારવાર એકમને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આમ, સઘન બાળ સારવાર એકમને મૂળ જગ્યાએ પૂર્વવત કરવા માટે નોડલ ઓફિસર અને શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ સહિતના ઉચ્ચ અધિકારીઓના પ્રયાસોથી રાજ્ય સરકાર પાસેથી અનુદાન પ્રાપ્ત થયું હતું. જેના પરિણામે આજે અદ્યતન નવીનીકરણ પામેલા સઘન બાળ સારવાર એકમ અને તેને સંલગ્ન સુવિધાઓના પ્રારંભ કરવામાં આવ્યો છે. બાળરોગ વિભાગના વડા ડો. શીલા અય્યરે જણાવ્યુ કે, નવીનીકરણ પામેલા સઘન બાળ સારવાર એકમ અને તેને સલંગ્ન એકસ્ટ્રા મ્યુરલ નિયોનેટલ ઈન્ટેનસિવ કેર યુનિટ અને કાંગારૂ મધર કેરની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જેથી વડોદરા ઉપરાંત નજીકના અન્ય જિલ્લાના નવજાત શીશુઓની સારવાર માટે સુવિધાઓ મળશે. તેમજ સમગ્ર એકમ વાતાનુકૂલિત છે અને સંકુલમાં અદ્યતન અગ્નિશમનની વ્યાપક વ્યવસ્થાઓ રાખવામાં આવી છે. આમ, બાળરોગ સંબંધિ સારવારને મજબૂતી પ્રદાન થઈ છે. આ પ્રસંગે ડીન તનુજા જાવડેકર, એક્ઝિક્યુટિવ ઓફીસર ડો. બિરેન પાઠક, એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડો. હેમંત માથુર સહિત બાળરોગ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.