મેલબોર્ન 

ઓસ્ટ્રેલિયામાં અનુભવી ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ પ્રથમ વખત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ખાતે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો. ઓસ્ટ્રેલિયા સામે 7 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી સિડની ટેસ્ટમાં આ ભારતીય ક્રિકેટરની રમવાની સંભાવના છે.

BCCIએ ટ્વીટ કરતાં લખ્યું, એન્જિન શરૂ થઈ રહ્યું છે 

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ બે તસ્વીરો સાથે આ બેટ્સમેનનો ફોટો ટ્વીટ કરતાં લખ્યું, ‘એન્જિન શરૂ થઈ રહ્યું છે અને જે બનવાનું છે તેની આ નાની ઝલક છે.’ જ્યારે રોહિત પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે ભારતીય ટીમના બાકીના ખેલાડીઓએ શ્રેણીની બીજી ટેસ્ટ જીત્યા બાદ બે દિવસ આરામ કરવાનું વધુ સારું માન્યું.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)દરમિયાન રોહિત ઈજાગ્રસ્ત થયો હતો. તેની જાંઘના સ્નાયુઓ ખેંચાયેલા હતા. આ કારણોસર તેની પાસે આ ટૂર પર મર્યાદિત ઓવરોની શ્રેણીમાં અને પ્રથમ બે ટેસ્ટમાં રમી શક્યો ન હતો. 

BCCI દ્વારા જારી કરાયેલા ફોટામાં 33 વર્ષીય મુંબઇનો આ ખેલાડી કેચની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. આ દરમિયાન થ્રોડાઉન એક્સપર્ટ રાઘવેન્દ્ર અને દયાનંદ ગરાની સાથે શ્રીલંકાના નુવાન સેનેવરત્ને રોહિતની મદદ માટે ઉપસ્થિત હતા. ટીમના સાથી ખેલાડીઓને બુધવારે મળ્યા પહેલા રોહિત સિડનીમાં બે સપ્તાહના ક્વોરંટાઈન પર હતો. ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ બીજી મેચ પૂર્ણ થયા બાદ કહ્યું હતું કે રોહિતને ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરતાં પહેલા તેની ફિટનેસ પર ધ્યાન આપવામાં આવશે. 

બીસીસીઆઈએ 11 ડિસેમ્બરના રોજ જાહેરાત કરી હતી કે આ બેટ્સમેને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)માં ફિટનેસ ટેસ્ટ પાસ કરી દીધો હતો, જેના કારણે તેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં રમવાનો રસ્તો સાફ થઈ ગયો છે. પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પણ કહ્યું હતું કે મુંબઈના આ બેટ્સમેનને સિડની ટેસ્ટમાં શુભમન ગિલ સાથે ઇનિંગની શરૂઆત કરવી જોઈએ.