દુબઇ 

પોર્ટુગલ અને યુવેન્ટસના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને રવિવારે ગ્લોબ સોકર અવૉર્ડ્સમાં પ્લેયર ઓફ ધ સેન્ચુરીનો પુરસ્કાર મળ્યો હતો. તેમને આ એવોર્ડ 2001 થી 2020 સુધી લીગ અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં શાનદાર પ્રદર્શન માટે આપવામાં આવ્યો. તેમણે આ પુરસ્કાર આર્જેન્ટિના અને બાર્સિલોના સ્ટાર સ્ટ્રાઈકર લિયોનલ મેસીને હરાવીને જીત્યો છે. જ્યારે, આ પુરસ્કાર સમારોહમાં બાયર્ન મ્યુનિખના રોબર્ટ લેવાનદોસ્કીને પ્લેયર ઓફ ધ યર પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા છે.

દુબઇમાં યોજાયેલા આ સમારોહમાં રોનાલ્ડોનો 5 વારના બેલોન ડી'ઓર વિજેતા રોનાલ્ડોનો આ વર્ષનો આ બીજો એવોર્ડ છે. આ અગાઉ તેમણે ડિસેમ્બરમાં ગોલ્ડન ફુટ એવોર્ડ પણ જીત્યો હતો. ગોલ્ડન ફુટ એવોર્ડ 28 વર્ષ કે તેથી વધુ ઉંમરના ખેલાડીઓને તેમની સંપૂર્ણ કારકિર્દીમાં ફક્ત એક જ વાર આપવામાં આવે છે. ટ્રોફી જીત્યા બાદ રોનાલ્ડોએ લેવાનદોસ્કીને અભિનંદન પાઠવ્યા હતા. 

માન્ચેસ્ટર સિટીના કોચ પેપ ગાર્ડયોલાને કોચ ઓફ ધ સેન્ચુરી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ગાર્ડિયોલા સિટીથી પહેલા, તેમણે બાર્સિલોના અને બાયર્ન મ્યુનિખના કોચ પણ રહી ચૂક્યા છે. તેમના કોચિંગમાં બાર્સેલોનાની ટીમે 2009માં UEFA ચેમ્પિયન્સ લીગ પણ જીતી હતી. 2009માં બાર્સિલોનાની ટીમે સ્પેનિશ સુપર કપ UEFA સુપર કપ અને ફિફા ક્લબ વર્લ્ડ કપ સહિત 6 ટ્રોફી પોતાને નામે કરી હતી. ગાર્ડિયોલા ફિફા બેસ્ટ કોચ (2011), UEFA બેસ્ટ કોચ (2009, 2011) અને લા લિગાના બેસ્ટ કોચ (2009, 2010, 2011 અને 2012)નો એવોર્ડ પણ જીતી ચૂક્યા છે.

ક્રિસ્ટિયાનોના એજન્ટ જ્યોર્જ મેન્ડિસને એજન્ટ ઓફ ધ સેન્ચ્યુરી એવોર્ડ મળ્યો હતો. જ્યારે, રોનાલ્ડોના ભૂતપૂર્વ ક્લબ રીયાલ મેડ્રિડને ક્લબ ઓફ ધ સેન્ચ્યુરી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. રિયાલ મેડ્રિડે 20 વર્ષમાં 5 વખત UEFA ચેમ્પિયન્સ લીગનું ટાઇટલ અને 7 લા લિગા ટાઇટલ પોતાને નામ કર્યા છે.

જ્યારે, આ વર્ષે ફીફાના શ્રેષ્ઠ પ્લેયરનો એવોર્ડ જીતનારા લેવાનદોસ્કીએ મેસી અને રોનાલ્ડોને હરાવીને ગ્લોબ સોકર પ્લેયર ઓફ ધ યર એવોર્ડ મેળવ્યો. 32 વર્ષીય લેવાનદોસ્કીએ ગત સીઝનમાં 47 મેચમાં 55 ગોલ કર્યા છે. જ્યારે, આ સિઝનમાં 14 મેચોમાં 16 ગોલ કર્યા છે. લેવાનદોસ્કીની ટીમ અને આ 2019-20ની UEFA ચેમ્પિયન્સ લીગ વિજેતા ટીમ બાયર્ન મ્યુનિખને ક્લબ ઓફ ધ યર 2020 એવોર્ડથી સન્માનીત કરાવામાં આવ્યો હતો.