સાપુતારા

ડાંગના સાપુતારામાં પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવાયો છે. જિલ્લા વહીવટી તંત્રએ કોરોના અંકુશમાં લેવા અચાનક આ પ્રકારનો નિર્ણય લેતા અનેક ગુજરાતી પ્રવાસીઓ જ અટવાઈ પડ્યા છે. શિરડી અને નાસિક ગયેલા અનેક પ્રવાસીઓ પાસે RT-PCR ટેસ્ટનો રિપોર્ટ ન હોવાથી તેમને પરત મોકલાયા છે. જોકે અહીં આરોગ્ય તંત્રની પણ બેદરકારી સામે આવી છે. સાપુતારા ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગે RT-PCR ટેસ્ટની કોઈ જ વ્યવસ્થા ઉભી નથી કરી જેનાથી પ્રવાસીઓ અટવાઈ પડ્યા છે.

કોરોનાનાં વધતા વ્યાપ વચ્ચે ડાંગ જિલ્લામાં આરોગ્ય કર્મીઓએ નિર્ધાર કર્યો છે કે ઘરે ઘરે રસી પહોંચાડીશું તેને લઇને અનેક જગ્યાએ જ્યા લોકો પહોંચી નથી શકતા ત્યાં આરોગ્ય વિભાગ સામેથી પહોંચી રહ્યું છે. કોરોના યોદ્ધાઓએ જે જંગ છેડ્યો છે, પોતાના અને પોતાના પરિવારજનોના જીવને જોખમમા મુકીને પણ, આ યોદ્ધાઓએ આ વાયરસનો સામી છાતીએ સામનો કર્યો છે. અને હવે આ કોરોનાનો હરાવવા દેશના વરિષ્ઠજનો એવા ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા નાગરિકોનું રસીકરણ હાથ ધર્યું છે. ડુંગરાળ પ્રદેશ એવા ડાંગના મોટા ભાગના લોકો એવા છે જે ઓ આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી શકતા નથી ત્યારે આરોગ્ય વિભાગ પોતે આવા લોકો સુધી ઘરે ઘરે જઈને રસીકરણ અભિયાન પૂર્ણ કરવાની કામગીરી કરે છે.