ગાંધીનગર-

કોરોનાની પ્રથમ લહેરની શરૂઆત બાદ રાજ્યમાં કડક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. લોકડાઉનના ભયે હજારોની સંખ્યામાં પરપ્રાંતીય અને શ્રમિકોએ વતનની વાટ પકડી હતી. અને આ સમયે લોકડાઉનના ઉલ્લંઘન બદલ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તેવામાં કોરોનાની બીજી લહેર બાદ રાજ્યની રૂપાણી સરકારે શ્રમિકો પર થયેલાં કેસોને લઈને ર્નિણય કર્યો છે.

કોરોનાકાળની શરૂઆતમાં લોકડાઉન સમયે હજારોની સંખ્યામાં શ્રમિકો વતન જવા માટે નીકળી પડ્યા હતા. અને કેટલાય દર્દભર્યા દ્રશ્યો પણ ગુજરાતની જનતાએ જાેયા હતા. પણ લોકડાઉનના ઉલ્લંઘન મામલે પોલીસ દ્વારા શ્રમિકો વિરુદ્ધ ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા હતા. વતન જવા માગતા શ્રમિકો સામે ગુજરાતમાં અંદાજે ૭૨૫ જેટલાં કેસો નોંધાયા હતા. પોલીસ દ્વારા દાખલ કરાયેલ ૭૦૦થી ગુનાઓ પૈકી ૨૦૦ જેટલાં ગુનાઓનો કોર્ટની અંદર નિકાલ થઈ ગયો છે. અને હજુ પણ ૫૦૦થી વધુ ગુનાઓ પેન્ડિંગ છે. તેવામાં રૂપાણી સરકાર દ્વારા બાકી રહેલાં આ ગુનાઓ પરત ખેંચવામાં આવશે. જેની સૌથી મોટી રાહત શ્રમિકોને મળશે. કેસ પરત ખેંચી લેવાને કારણે શ્રમિકોને કોર્ટના ધક્કા ખાવાનો વારો આવશે નહીં.