દુબઇ 

વિરાટ કોહલીને 2012માં ડેનિયલ વિટ્ટોરીની જગ્યાએ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. કોહલી હજી સુધી બેંગલોરને ચેમ્પિયન બનાવી શક્યો નથી. શુક્રવારે એલિમિનેટર મેચમાં કોહલીની ટીમને 6 વિકેટે હરાવી સનરાઇઝર્સ હૈદરાબાદે ક્વોલિફાયર-2માં સ્થાન મેળવી લીધું. મેચ પછી ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે કહ્યું- RCBની સૌથી મોટી સમસ્યા લીડરશિપથી શરૂ થાય છે. કોહલીએ આ હારની જવાબદારી લઈ લેવી જોઈએ.

ગંભીરે કહ્યું, સૌથી મહત્ત્વનું કે RCBના પ્રોબ્લેમની શરૂઆત લીડરશિપથી થાય છે. જ્યાં સુધી લીડરશિપ એકાઉન્ટેબલ(જવાબદારી નહિ લે) નહિ થાય ત્યાં સુધી તમે દર વર્ષે મેચો હાર્યા કરશો અને ક્યારેય ટ્રોફી જીતી નહિ શકો. મને કોચીસ અને સપોર્ટ સ્ટાફ પર દયા આવે છે, કારણ કે દર વર્ષે તેઓ બદલાય છે, જ્યારે પ્રોબ્લેમ બીજે ક્યાંક છે.

ગંભીરે કહ્યું હતું કે જો હું RCB માટે નિર્ણય લેતો હોત તો 100% કોહલીને કપ્તાનીમાંથી કાઢત. તમે જ કહો કે એવો કયો ખેલાડી હોત જેણે 8 વર્ષ સુધી તક મળવા છતાં ટ્રોફી ન જિતાડી અને તેને કપ્તાની મળવાનું ચાલુ રહેત?


ગંભીરે વધુમાં કહ્યું હતું, મારા મનમાં કોહલી વિરુદ્ધ કંઈ નથી, પણ તેણે સ્વીકારવું જોઈએ કે તે જવાબદાર છે. 8 વર્ષ બહુ લાંબો સમય છે. તમે જોયું જ રવિચંદ્રન અશ્વિનને 2 વર્ષમાં રિઝલ્ટ ન મળતાં કપ્તાનીપદેથી કાઢવામાં આવ્યો હતો. એમએસ ધોનીએ 3 અને રોહિત શર્માએ 4 ટાઇટલ જીત્યા એટલે આટલો સમય કપ્તાની કરી છે. મને ખાતરી છે કે રોહિત 8 વર્ષ સુધી ટાઇટલ ન જીત્યો હોત તો તેને પણ કાઢવામાં આવ્યો હોત.