વડોદરા : હરણી-સંગમ ચાર રસ્તા પાસે લાલબહાદુર શાસ્ત્રી સ્કૂલના પ્રવેશદ્વાર પાસે આવેલ શેરડીના રસઘરની દુકાનમાં ફરજ બજાવતા નોકરે પ્રેમપ્રકરણને કારણે ગળાફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી દીધી હોવાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. કારેલીબાગ પોલીસે મરણ જનાર યુવાનના સગાંસંબંધીઓને જાણ કરાતાં તેઓ વડોદરા દોડી આવ્યા હતા. મરનાર યુવાન રમેશ ડામોરે આપઘાત પૂર્વે લખેલ સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં આઈ લવ યુ... ઉષા, આવતા જન્મે ફરી મળીશું તેમ લખાણ લખ્યું હતું.  

હરણી-સંગમ ચાર રસ્તા પાસે લાલબહાદુર શાસ્ત્રી સ્કૂલ પાસે અંબિકાવિજય શેરડીના રસની દુકાન આવેલ છે. આ દુકાનમાં ઝાલોદ તાલુકાના આંકોલ ગામે રહેતો રમેશ સાંગાભાઈ ડામોર (ઉં.વ.ર૬) છેલ્લા બે મહિનાથી નોકરી કરતો હતો અને દુકાનમાં જ સૂઈ રહેતો હતો. ગઈકાલે રાત્રે નોકર રમેશ ડામોરે શેઠ પાસે દુકાનની ચાવી માગી દુકાનમાં રોકાયો હતો. જાે કે, રમેશને ઉષા નામની યુવતી સાથે પ્રેમસંબંધ હોવાથી બંને વચ્ચે રકઝક ચાલતી હતી. ગત મોડી રાત્રે ઉષા સાથે વાતચીત થયા બાદ રમેશ ડામોરે પ્રેમિકા ઉષાને સંબોધીને અંતિમચિઠ્ઠી લખીને પોતાના શરીર પર લટકાવી દુકાનમાં જ ઈલેકટ્રીક વાયરના સહારે પંખાના હૂક સાથે બાંધી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આજે સવારે દુકાને આવી પહોંચેલા શેઠની નજર દુકાનમાં આપઘાત કરેલ નોકર પર પડતાં તેઓ ચોંકી ઊઠયા હતા અને કારેલીબાગ પોલીસ મથકને આ બનાવની જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચ્યા બાદ રમેશ ડામોરનો મૃતદેહ નીચે ઉતારી તેના શરીર ઉપર લખેલ ચિઠ્ઠી મળી આવી હતી, જે કબજે કરી હતી. પોલીસે બનાવ સંબંધે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. આ ઉપરાંત તેના વતન પરિવારને આ બનાવની જાણ કરાતાં તેઓ વડોદરા દોડી આવ્યા હતા.

આવતા જન્મે ફરી મળીશું ઃ અંતિમચિઠ્ઠીમાં વેદના ઠાલવી

યુવતીના પ્રેમમાં ગળાડૂબ પ્રેમી રમેશ ડામોરે આપઘાત પૂર્વે તેને અંતિમચિઠ્ઠીમાં હૃદયવેદના ઠાલવી લખ્યું હતું કે, આઈ લવ યુ... ઉષા... ફોન પર વાત કરતી હતી, તે હવે નથી કરતી, તેં જેવું કહ્યું એવું મેં કર્યું, જીવ તો મારો તારા લીધે જવાનો છે, તું મારી સાથે રમત રમી ગઈ, પણ હું નથી રમ્યો. તારી સાથે રમત રમવાનો આવો રૂડો અવતાર વારેઘડીએ નહીં મળે. બાય... ઉષા-રમેશ રાજ તેં જેવું કહ્યું એવું મેં કર્યું, અંતે તેને ગોરધન નામના યુવકને ઉલ્લેખીને લખ્યું છે કે ગોરધન તેં મારી જિંદગીની પથારી ફેરવી નાખી. આઈ લવ યુ... ઉષા-રમેશ લખેલ ચિઠ્ઠી મળી આવી હતી જે પોલીસે કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.