BJP અધ્યક્ષ પદ માટે શિવરાજસિંહના નામની અટકળો 
25, ઓગ્સ્ટ 2025 નવી દિલ્હી   |   3465   |  

બંધ રૂમમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે 45 મિનિટ મુલાકાત

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બને તેવી અટકળો શરૃ થઈ છે. શિવરાજ સિંહ ચૌહાણે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. બંધ રૂમમાં બંને નેતાઓ વચ્ચે આશરે 45 મિનિટ સુધી વાતચીત ચાલી હોવાનું જાણવા મળે છે.

બીજેપીના સૂત્રો મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે સંઘે કવાયત શરૂ કરી છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં શિવરાજ સિંહ ચૌહાણનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે. જોકે,શિવરાજસિંહ સંઘના પસંદગી પામેલા ઉમેદવારોમાં સામેલ હોવાનું પણ કહેવાય છે. જોકે બંને નેતાઓ વચ્ચે મુલાકાત આ જ સંદર્ભમાં થઇ હોંવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. 2 વર્ષ બાદ શિવરાજ સિંહ ચૌહાણે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. હવે આ મુલાકાત બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યુ છે.

ભાજપ આરએસએસ દ્વારા સપ્ટેમ્બરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી બાદ તરત જ બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઇ શકે છે. 28 સપ્ટેમ્બર પહેલાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને પૂરી થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાંનું કહેવાય છે.

કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રવિવારની સાંજે આરએસએસના સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવતની સાથે બેઠક દિલ્હીના ઝાંડેવાલનમાં સંઘ કાર્યાલય કેશવ કુંજ ખાતે થઈ હોંવાનું કહેવાય છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution