અમદાવાદ, કોરોનાના કપરા સમયમાં પોતાના જીવના જાેખમે સેવા આપનાર નર્સ એસોસિયેશને હવે સરકાર સામે બાયો ચડાવી છે. સાતમાં પગાર પંચનો લાભ, સીપીએફનો લાભ તથા પ્રમોશનની પોલિસી નક્કી કરવાની રજૂઆત કરાઈ.આ સાથે કોરોનાથી મૃત્યુ થયેલ કર્મચારીઓને વળતર ચૂક્વવાની માગ પણ કરવામાં આવી હતી. નર્સ એસોસિયેશને પોતાની ૧૫ માગણીઓ સાથે રાજ્ય તેમજ જિલ્લાઓમાં દેખાવો કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર સિવિલમાં કોવિડ હોસ્પિટલ તો બનાવી દેવામાં આવી છે પરંતુ કોવિડ હોસ્પિટલ માટે પુરતો સ્ટાફ જ નથી જેના કારણે હાલ પાટનગરની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ રામભરોસે હોય તેમ લાગી રહ્યું છે. ડોક્ટરો તપાસવા નહીં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે તો સામે છેલ્લા નવ મહિનાથી સતત કામ કરતા મેડિકલ અને પેરામેડિકલની સ્થિતિ પણ દયનીય બની છે. ઓછા સ્ટાફ વચ્ચે દર્દીઓ વધવાને કારણે કામનું ભારણ વધતુ જ જાય છે જેની અસર સારવારની ગુણવત્તા ઉપર પડી રહી છે અને દર્દીને વિલંબથી સારવાર મળતી હોવાની બાબતો જાણવા મળી રહી છે. માર્ચ માસથી હોસ્પિટલોમાં ડોક્ટરો દિવસ રાત કામ કરી રહ્યા છે. ડોક્ટરો ઉપરાંત મેડિકલ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, નર્સ સહિતનો પેરા મેડિકલ સ્ટાફથી લઇને વર્ગ-૪ સુધીના કર્મચારીઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઉભા પગે કામ કરી રહ્યો છે. અગાઉ ક્વોરેન્ટાઇન પીરીયડ ૭ દિવસનો હતો તે ઘટાડીને ત્રણ દિવસનો કરી દેવામાં આવ્યો હતો ત્યારે હાલ કોરોનાની બીજી લહેરમાં કેસ વધતા આ ક્વોરેન્ટાઇન ર દ કરી દેવામાં આવ્યું છે એટલે કે, કોવિડ ડયુટી કર્યા બાદ જે ત્રણ દિવસ ક્વોરેન્ટાઇનની રજા મળતી હતી તે રદ કરીને બીજા દિવસથી નોન કોવિડ ડયુટીમાં ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફને લાગી જવાનું હોય છે.દિવસેને દિવસે ગાંધીનગરની કોવિડ હોસ્પિટલમાં ક્રિટીકલ પેસન્ટની સંખ્યા વધી રહી છે તેવી સ્થિતિ વચ્ચે પણ મેડિસીન ડિપાર્ટમેન્ટનો પણ પુરતા પ્રમાણમાં સ્ટાફ નહીં હોવાની સીધી અસર હાજર ડોક્ટરો અને અન્ય સ્ટાફ ઉપર પડે છે. તેમની કામગીરી વધી જાય છે. સતત કામગીરીના ભારણને કારણે સારવારની ગુણળત્તા જળવાતી નથી તે સીધો નિયમ છે જેને પગલે ગાંધીનગરની કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ હાલ રામભરોસે હોય તેમ લાગી રહ્યું છે.

દર્દીઓ વધવાને કારણે કોવિડ હોસ્પિટલના નીચેનો ચોથો અને પાંચમો માળ પણ ખોલી દેવામાં આવ્યો છે પરંતુ ડોક્ટરો સાતમાં અને આઠમા માળે જ હોય છે તેથી નીચે દાખલ દર્દીઓને સમયસર સારવાર મળતી નહીં હોવાની ફરિયાદ ઉઠી છે.સારવારમાં વિલંબને પગલે ઘણા સ્વજનો પોતાના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં પણ લઇ જઇ રહ્યા છે. હોસ્પિટલમાં હાલ મેન પાવરની ભાર અછત સર્જાઇ છે તેવી સ્થિતિમાં ડોક્ટરોથી લઇને વર્ગ ચાર સુધીના કર્મીઓની ભરતી કરવામાં આવે તો જ કામગીરીને ન્યાય આપી શકાય તેમ છે. ગાંધીનગર કોવિડ હોસ્પિટલમાં એક દર્દીને ત્રણ ડોક્ટર તપાસે તે માટે થ્રી ટાયર કે લેયરની વ્યવસ્થા કરી હોવાનો તંત્ર દાવો કરે છે પરંતુ ઘણા કિસ્સામાં દર્દીઓને એક પણ ડોક્ટર તપાસવા પણ આવતા નથી.