વડોદરા, તા.૨૭

વડોદરા શહેર-જિલ્લામાં રસ્તે રખડતી ગાયો અને કૂતરાઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચી ગયો છે. તેવા સમયે શહેરમાં વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન ૩૦ જેટલા રાહદારીઓ અને વાહનચાલકોને રસ્તે રખડતાં કૂતરાઓએ બચકાં ભરીને ઘાયલ કર્યાં હોવાના બનાવો સયાજી હોસ્પિટલના ચોપડે નોંધાયા હતા. આ તમામ લોકો અલગ અલગ વિસ્તારોમાં કૂતરાઓના ત્રાસનો ભોગ બનતાં તેઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

વડોદરા શહેરમાં પાલતુ પ્રાણીઓનો ત્રાસ રોજબરોજ વધી રહ્યો છે. તેની સાથે જંગલો લુપ્ત થતાં શિકારી જંગલી પ્રાણીઓ પણ માનવવસતીમાં જંગલના સીમાડા ઓળંગીને આવી રહ્યા છે, જેના કારણે માનવને પ્રાણીઓથી બચીને જીવવાનું જાેખમ વધી રહ્યું છે. જાે કે, હાલની સ્થિતિમાં તો પાલતુ પ્રાણીઓની કેટેગરીમાં આવતા ગાયો અને કૂતરાઓનો ત્રાસ શહેરીજનો માટે અસહ્ય બની રહ્યો છે. એટલું જ નહીં, ગાયોના શિંગડે ભેરવાના અને કૂતરા કરડવાનો ભોગ બની રહ્યા છે.

તેવા સંજાેગોમાં શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ૩૦ જેટલા રાહદારીઓ-વાહનચાલકોને કૂતરાઓ કરડવાના બનાવો સયાજી હોસ્પિટલના સત્તાવાર ચોપડે નોંધાયા છે.

 કૂતરાઓ કરડવાના બનાવો ઉપરાછાપરી બનતાં સયાજી હોસ્પિટલના તબીબો પણ ચોંકી ઊઠયા હતા અને તેઓ ગાયો-કૂતરાઓનો ત્રાસ દૂર કરવા માટે ગણગણાટ કરી રહ્યા હતા. આ તમામ ઈજાગ્રસ્તોને એન્ટી રેબિટસના ઈન્જેકશનો આપવામાં આવ્યા હતા. કેટલાક વિસ્તારોમાં કૂતરાઓના ટોળા રાત્રિના સમયે રોડ પર ઉતરી આવતાં આવતા-જતા વાહનચાલકોની પાછળ દોડતાં અકસ્માત પણ સર્જાતા હોય છે. શહેરીજનો રસ્તે રખડતાં કૂતરાઓ અને ગાયોના ત્રાસથી મુક્તિ મેળવવા માટે પાલિકાના સત્તાધીશો સમક્ષ માગણી કરી રહ્યા છે, પરંતુ સત્તાધીશો દ્વારા ભેદી મૌન સેવવામાં આવી રહ્યું છે.