વડોદરા : વડોદરા મહાનગરપાલિકામાં પાછલા અનેક વરસોથી ભ્રષ્ટાચાર અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે સમજાેતા એક્સપ્રેસ ચાલતી હોવાના આક્ષેપ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ વખતે વડોદરા પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતાપદે પ્રથમ વખત મહિલા કાઉન્સિલર અમી રાવતની પસંદગી કરવામાં આવી છે. સુશિક્ષિત - સંસ્કારી અને સ્વચ્છ મનાતા અમી રાવત ટેકનોક્રેટ કાઉન્સિલર તરીકે ઓળખાય છે.

વડોદરા પાલિકાની ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે ૭૬ પૈકી માત્ર ૭ બેઠકો પણ વિજય મેળવ્યો હતો. જેને પગલે ભાજપા દ્વારા પ્રણાલિકા મુજબ આપવામાં આવતું વિપક્ષના નેતાનું પદ તેમજ તેમને આપવામાં આવતી કાર સહિતની સવલતો આપવામાં આવી ન હતી. પાલિકામાં ભાજપે રપ વર્ષ પૂર્વે સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી અત્યાર સુધી વિપક્ષના નેતાપદે દલસુખ પ્રજાપતિ, ચિન્નમ ગાંધી, ચિરાગ ઝવેરી તેમજ ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ એમ સિનિયર કાઉન્સિલરોની નિમણૂક કરવામાં આવી હતી.

પરંતુ પાછલા તમામ વર્ષોમાં કોર્પોેરેશનના વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર અને ભાજપા-કોંગ્રેસ વચ્ચે સમજાેતા એક્સપ્રેસ ચાલતી હોવાના અનેક આક્ષેપો થયા હતા. ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ વખતે પાલિકામાં વિપક્ષના એટલે કે કોંગ્રેસ પક્ષના નેતાપદે અમી રાવતની નિમણૂક કરી છે. પાલિકામાં વિપક્ષના નેતા તરીકે મહિલાની પસંદગી કરવામાં આવી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૧માં મહિલા કાઉન્સિલર અમી રાવત સમગ્ર પેનલને ચૂંટી લાવવામાં સફળ રહ્યાં હતાં. છેલ્લાં કેટલાંક સમયથી વિપક્ષના નેતાપદને લઈને ચાલતી અટકળો વચ્ચે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે અમી રાવતના નામની વિપક્ષી નેતા તરીકે જાહેરાત કરી હતી. અમી રાવત કોર્પોેરેશનની સભામાં પ્રજાલક્ષી કામો માટે ધારદાર રજૂઆતો સાથે શહેરમાં જે ખોટા કામો થયા છે તેને ઉજાગર કરવામાં પીછેહટ કરતાં નથી. સત્તાધારી પક્ષે ભલે વિપક્ષના નેતાનું પદ આપ્યું ન હોય પરંતુ લોકોના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપી છે અને હું પાર્ટીને સાથે લઈને લોકોની વચ્ચે લોકોના પ્રશ્નો લડે તેવી વ્યક્તિને મૂકવા કહ્યું હતું. અમે સાથે રહીને લોકોના પ્રશ્નો લડીશું તેમ કહી ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે તમાચો મારી ગાલ લાલ રાખવાનો પ્રયત્ન કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અગાઉ વિપક્ષના નેતાપદે ચિરાગ ઝવેરી અને ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ હતા ત્યારે કોંગ્રેસ-ભાજપા વચ્ચે સમજાેતા એક્સપ્રેસ ચાલતી હોવાના આક્ષેપો અનેક વખત થયા હતા. હવે નવા વિપક્ષના નેતાપદે મહિલા કાઉન્સિલરની નિમણૂક કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ પાલિકામાં લોકોના પ્રશ્નોને વાચા આપવા કેટલો સફળ થાય છે તે જાેવાનું રહ્યું. આમ સમજાેતા એક્સપ્રેસને લાલ સિગ્નલ આપવામાં આપ્યાની અને શાસક ભાજપા સાથે ગોઠવણ આધારિત વિરોધનું નાટક કરી વોકઆઉટ, ધરણાં, દેખાવો જેવા કાર્યોક્રમો કરી પાછલે બારણે કુલડીમાં ગોળ ભાંગતા કોંગ્રેસના અત્યાર સુધીના તમામ દિગ્ગજ કહેવાતા નેતાઓને અમી રાવતના નિમણુંકના એક જ તમાચાથી તમ્મર આવી ગયા હોવાની પાલિકામાં ચર્ચા છે.