વડોદરા, તા.૨૨ 

કામના સતત ભારણ અને ઉપલા અધિકારીઓના આદેશના પાલન સાથે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ જાન ગુમાવી રહ્યા છે. બે દિવસ અગાઉ પ્રતાપનગર હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું મોત થયા બાદ આજે વધુ એક ડીસીપી વહીવટી વિભાગના ગનમેન તરીકે ફરજ બજાવતા પપ વર્ષીય પોલીસ કર્મચારી હૃદયરોગના હુમલાથી મોતને ભેટયા બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ કર્યા બાદ નિવાસસ્થાને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન સાથે અંતિમક્રિયા માટે તેમના વતન લઈ જવામાં આવ્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના ડે. કમિશનર ઓફ પોલીસના કાફલામાં ગનમેન તરીકે કનુભાઈ જીગાભાઈ રાઠવા (ઉં.વ.પપ) ફરજ બજાવતા હતા. આજે તેઓ સવારે ૮ વાગે ફરજ પર જવા માટે પોલીસ યુનિફોર્મ પહેરીને તૈયાર થયા હતા, એ સમયે તેમને છાતી ભારે લાગવા સાથે અસહ્ય દુઃખાવો ઉપડયો હતો. તે બાદ તેઓ બેભાન થઈ ઢળી પડયા હતા, જેથી પરિવારજનો સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ કનુભાઈ રાઠવાને મૃત જાહેર કર્યા હતા.

હે.કો. કનુભાઈ રાઠવાના અકાળે મોતને પગલે રાઠવા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહને તેમના નિવાસસ્થાન સોમા તળાવ સ્થિત નાથદ્વાર ટાઉનશિપ ખાતે લવાયો હતો, જ્યાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમક્રિયા માટે તેમના વતન લઈ જવામાં આવ્યો હતો.