દાહોદ : વર્ષ ૨૦૨૧માં જી.એસ.ટી વિભાગ દ્વારા કરચોરો સામેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ગતરોજ મોડી રાતથી દાહોદની નામાંકિત મીઠાઈ અને ફરસાણની દુકાનો સહિત સાતથી આઠ જગ્યાએ જી.એસ.ટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આજે પણ દિવસ દરમિયાન દરોડાની કાર્યવાહી ચાલુ રહેવા પામી હતી. વડોદા જીએસટી વિભાગે દરોડા પાડતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 

જી.એસ.ટી કાયદો લાગુ કરાયા બાદ અનેક રીતે ભેજાબાજાે કર ચોરી કરવા અવનવા રસ્તાઓ અપનાવવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ જીએસટી વિભાગ દ્વારા કરચોરો પર સઘન દેખરેખ રાખવામાં આવતી હોય છે. વર્ષ ૨૦૨૧માં કર ચોરી ડામવા માટે જી.એસ.ટી વિભાગ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ગત મોડીરાતથી સેન્ટ્રલ જી.એસ.ટી વડોદરા ની ટીમ દ્વારા દાહોદના નામાંકિત મીઠાઈ અને ફરસાણ વાળાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ગત મોડીરાતથી દાહોદમાં આઠ જેટલી જગ્યાઓ પર વડોદરાની સેન્ટ્રલ જી.એસ.ટીની અનેક ટીમો ત્રાટકી હતી અને હિસાબી વહી યો અને કોમ્પ્યુટર જનરેટેડ બિલની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. દાહોદની પ્રખ્યાત રતલામી સેવ ભંડાર એન્ડ સ્વીટ શ્રી કૃષ્ણ સ્વીટ તથા દેલસર રોડ પર આવેલ અભિષેક નમકીનની દુકાન સહિત હાથ જેટલી જગ્યાઓ પર જુદી જુદી ટીમો દ્વારા હિસાબોની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. ગતરોજ ચાલુ કરવામાં આવેલા દરોડા આજે પણ દિવસ દરમિયાન ચાલુ રહ્યા હતા. એ દરમિયાન જી.એસ.ટી વિભાગને કરોડોની કરચોરી પકડી પાડવામાં સફળતા મળી હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જીએસટી વિભાગે દરોડા પાડતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.