રાજકોટ, રાજકોટ એસીબીએ આજે જીએસટી વિભાગમાં ટ્રેપ ગોઠવી હતી. બહુમાળી ભવનમાં વાણીજ્ય વેરા કચેરીમાં જીએસટીનો ઇન્ચાર્જ રાજ્ય વેરા અધિકારી મનોજ મનસુખલાલ મદાણીને ૨૦ હજારની લાંચ લેતા ઝડપી લીધો હતો. મનોજ મદાણી ક્લાસ ૨ અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. લાંચ લેતા રંગેહાથ ઝડપાયા બાદ એસીબીએ મનોજ મદાણીના ઘરે દરોડા પાડ્યા છે. અધિકારી પાસેથી અપ્રમાણસરની મિલકત શોધવા માટે તેમના ઘરે એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. ફરિયાદીને ખાનગી પેઢીને આક્ષેપિત કચેરી તરફથી વેલ્યુ એડેડ ટેક્સના આકારણી વર્ષ ૨૦૧૬-૧૭ના વર્ષના ભરાયેલા ટેક્સના રિફંડના રૂપિયા આશરે ૯,૭૦,૦૦૦ વ્યાજસહિત મળવા પાત્ર હતા. પરંતુ આ નાણા ચૂકવવા માટેનો આક્ષેપિત કચેરીમાંથી થયેલા હુકમ આપવાની અવેજ પેટે મનોજ મદાણીએ ફરિયાદી પાસે ૨૦ હજારની માગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા માગતા નહોતા. આથી તેઓએ રાજકોટ એસીબીમાં ફરિયાદ કરી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે આજે એસીબીએ રાજકોટ બહુમાળી ભવનના ચોથા માળે આવેલી વાણીજ્ય વેરા કચેરીમાં છટકુ ગોઠવ્યું હતું. દરમિયાન ફરિયાદી પાસેથી મનોજ મદાણીએ ૨૦ હજારની લાંચ લેતો રંગે હાથ ઝડપી લીધો હતો. એસીબીએ મનોજ મદાણી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.