ભુજ-

વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ કાબુમાં આવી રહ્યું હોઈ રાજ્યમાં છૂટછાટોમાં પણ વધારો કરાઈ રહ્યો છે. ધો.૧૦-૧રની શાળાઓ શરૂ થઈ ગયા બાદ હોઈ પણ સ્થળેથી ચિંતાજનક સમાચાર આવ્યા ન હોઈ ૧ ફેબ્રુઆરી એટલે કે સોમવારથી ધો.૯-૧૧ની શાળાઓ પણ શરૂ થઈ રહી છે. રાજ્ય શિક્ષણ વિભાગની સૂચનાને પગલે કચ્છના શિક્ષણ તંત્રે પણ તૈયારીઓ આરંભી છે.આ અંગેની વિગતો મુજબ રાજ્યના શિક્ષણ તંત્ર દ્વારા તબક્કાવાર શાળાઓ શરૂ કરાશે તેવી અગાઉ જ જાહેરાત કરી દેવાઈ હતી. ૧૧મી જાન્યુઆરીથી ધો.૧૦-૧રની શાળાઓ શરૂ કરાઈ હતી. પ્રારંભે વાલીઓ તેમજ બાળકોમાં કોરોનાનો ભય સ્પષ્ટ જોવા મળ્યો હતો, જેના લીધે શાળાઓમાં હાજરી પણ ઓછી દેખાતી હતી, જેમાં જેમ દિવસો વિતતા ગયા તેમ-તેમ ભય દૂર થતા શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પણ વધી છે. ૧ ફેબ્રુઆરીથી ધોરણ ૯-૧૧ની શાળાઓ શરૂ થઈ રહી છે. ધોરણ ૯ અને ૧૧ના વર્ગો માટે પણ ધો.૧૦-૧રની એસઓપી જ લાગુ પડશે. રાજ્ય કક્ષાએથી ગઈકાલે સાંજે પરિપત્ર આવ્યો હોઈ આજથી જિલ્લા શિક્ષણ તંત્ર વાલીઓ પાસેથી સંમતિ માંગવાનું શરૂ કરશે. શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવાની હોઈ કોરોના ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરાવાશે.