સુરત-

બારડોલી, મહુવા અને પલસાણા તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યઓ અને સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે માર્ચ 2020થી શાળાઓ સંપૂર્ણ બંધ છે જેમાં પ્રાથમિક શાળા હજી સુધી ખૂલી નથી. ગયા વર્ષની ફી તથા ચાલુ વર્ષની ફી પણ પૂરતી આવી નથી. પ્રાથમિક શિક્ષકોને 50 ટકા થી 100 ટકા પગાર ચૂકવી ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું છે. અને શાળાઓ દ્વારા સરકારની સૂચના મુજબ 25 ટકા ફીમાં રાહત પણ આવામાં આવી છે. જિલ્લાની શાળાઓમાં ઉત્તમ વહીવટ હોવા છતાં વહીવટમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીની દાખલગિરિ અને કનડગત વધી ગઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર પ્રાથમિક શાળાના આચાર્યો અને સંચાલકો ગ્રામ્ય વિસ્તારમાં તકલીફમાં મુકાઇ ગયા હકે.

વર્ગ સંખ્યા, વર્ગ વધારવામાં, ફાયર સેફ્ટીમાં, સ્ટેબિલિટી સર્ટીફીકેટમાં તથા અન્ય વહીવટી બાબતોમાં વધારે રિસ્ટ્રીકશન રાખી સંચાલકોને શાળા બંધ કરવા સુધીની ગર્ભિત ચેતવણી આપવામાં આવી રહી છે. હાલમાં મોટા ભાગની શાળાઓમાં વાર વધારાની ઓનલાઇન મંજૂરી માંગેલી તેમાં પણ જિલ્લા કચેરી દ્વારા ભલામણ કરવામાં ન આવતા તમામ શાળાઓને વર્ગ મંજૂરી મળેલ નથી. અને વર્ગના મંજૂર કરી માનસિક ત્રાસ જેવુ વાતાવરણ ઉદભવ્યું છે. પરોક્ષ રીતે સંચાલકો અને આચાર્યોને વ્યવહારુ ઉકેલ લાવવા દબાણ મૌખિક રીતે કરવામાં આવે છે. જેને કારણે સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જો શિક્ષણાધિકારી કચેરીની કનડગત બંધ કરવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે