અમદાવાદ-

રાજ્યમાં હાલ કોરોના સંકટના કારણે સરકારે દિપાવલી આસપાસ લેવાતી અર્ધવાર્ષિક પરીક્ષાઓ નહીં યોજવા નિર્ણય લીધો છે. સરકારી શાળાઓને આ લાગુ પડશે. અને એકમ પરીક્ષાના આધારે ગુણો ફાળવી દેવાશે. અગાઉ સરકારે ઘરે-ઘરે જઇને પેપર પહોંચાડવા અને તે રીતે પરીક્ષા યોજવાની તૈયારી કરી હતી. પરંતુ જે રીતે કોરોના સંક્રમણ હજુ ચિંતાજનક તબક્કે છે તેથી આ પરીક્ષા નહીં યોજવા નિર્ણય લેવાયો છે. અને વિદ્યાર્થીઓને તેનાથી એક મોટી રાહત આપવામાં આવી છે. સામાન્ય રીતે સરકારી શાળાઓમાં દર વર્ષે નવરાત્રિ પછી અને દિવાળી પહેલાં અર્ધવાર્ષિક પરીક્ષાઓ યોજાતી હોય છે. મહત્વનું છે કે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી દિવસોમાં સ્કૂલો-કોલેજો શરુ કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. જોકે, પ્રાથમિક ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવે તેવી સંભાવના નથી. હાલ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવા અંગે વિચારણા ચાલી રહી છે.