સુરત-

ગુજરાતના રાજ્ય યોગ બોર્ડના સંયુકત ઉપક્રમે નાગરિકોને આજથી એક મહિના માટે યોગ ટ્રેઇનર બનાવવાની તાલીમની શરૂઆત થઇ છે. આ અભિયાન અંતર્ગત નાગરિકોને એક મહિનાની તાલીમ આપવામાં આવશે. સવારે ૬ થી ૮ વાગ્યા સુધી ૨ કલાક સુધીના સમયગાળા દરમ્યાન નાગરિકોને યોગ ટ્રેઇનર માટેની તાલીમ આપવામાં આવશે. ટ્રેઈનીંગ સમાપ્ત થયા બાદ નાગરિકોને યોગ ટ્રેઈનર તરીકેનું સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવશે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતનો કોઈપણ નાગરિક આર્ત્મનિભર થઇ શકે તે હેતુથી તેમજ ભારતની પ્રાચીન સંસ્કૃતિ મુજબ લોકો યોગ તરફ આકર્ષિત થાય અને સ્વસ્થ જીવન જીવે તે માટે આજથી શહેરના આઠ જેટલા સ્થળોએ યોગ ટ્રેઈનર બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

કોચ કીર્તી ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત જે નાગરિક ૩૦ દિવસની તાલીમ પૂર્ણ કરશે તેને ગુજરાતના રાજ્ય યોગ બોર્ડ તરફથી યોગ ટ્રેઇનર તરીકેનું સર્ટીફિકેટ આપવામાં આવશે. ત્યારબાદ યોગ ટ્રેઇનર પોતાના ઘર નજીકના કોઈપણ સ્થળ જેવા કે બિલ્ડીંગ, ટેરેસ, ગાર્ડન કે સોસાયટીમાં દરરોજ એક કલાક માટે યોગ ક્લાસ ચલાવી શકશે. નાગરિકોને યોગાની તાલીમ આપનાર યોગ ટ્રેઈનરને રાજ્ય યોગ બોર્ડ તરફથી માનદ્દ વેતન પેટે રૂપિયા ૩ હજાર મળશે.