ગાંધીનગર-

સીબીએસઇના બોર્ડના સચિવ અનુરાગ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા ચોક્કસ યોજાશે અને એની તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. કોવિડ-19ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને અનેક લોકો 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા રદ કરવાની અથવા એની તારીખ લંબાવવાની માગણી કરી રહ્યા છે અને એના જવાબમાં ત્રિપાઠીએ આ વાત કહી હતી. 

એમણે વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષાઓ ક્યારે અને કઇ રીતે યોજાશે એ વિશે અમે ચર્ચા કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં પરીક્ષાપત્રક જાહેર કરવામાં આવશે તથા પરીક્ષા કઇ રીતે લેવાશે એ વિશેની માહિતી પણ જાહેર કરવામાં આવશે. 

જોકે, દર વર્ષની જેમ આ વખતે પણ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાશે કે નહીં એ વિશે એમણે મગનું નામ મરી નહોતું પાડયું, પણ એમ જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં કોરોનાને કારણે પ્રતિબંધ લદાયા બાદ આગળ કઇ રીતે વધવું એ વિશે અવઢવ હતી ત્યારે અમારા શિક્ષકોએ પોતાની જાતને નવી ટેકનોલોજીમાં ઢાળીને ભણાવવાનું ચાલું રાખ્યું હતું તથા થોડા જ મહિનામાં વિવિધ ઍપ્સનો ઉપયોગ કરીને ઑનલાઇન ભણાવવાની વાત સામાન્ય બની ગઇ હતી. 

કેટલાંક રાજ્યોમાં 15મી ઑક્ટોબરથી આંશિક રીતે શાળાઓ શરૂ કરવામાં આવી છે, પણ કોરોનાને લીધે અમુક રાજ્યોમાં શાળાઓ સદંતર બંધ જ રહી છે. જે બોર્ડની પરીક્ષાઓની તારીખ લંબાવાઇ હતી, એ છેવટે રદ કરાઇ અને પયર્યિી અસેસમેન્ટને આધારે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.